હાલ રાજ્યમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આજ રોજ રાજકોટમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત સરકારી જમીન પર બાંધકામ કરીને બનાવેલા ઘરોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘરોના માલિકોને નોટિસ આપ્યા બાદ દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો છે. આ સમય બાદ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવા ઘરો પર બુલડોઝર ફરી વળશે.
લોકો એકવાર રજૂઆત કરી શકશે
રાજકોટમાં ગેરકાયદે બાંધકામોને લઇને નોટિસ ફટકારવામાં આવી રહી છે. જંગલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવતા આવા મકાનમાલિકોમાં ફફડાટ ફેલાયો છે. જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલા ઘરોને લઇને આ નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસનો સમય પૂર્ણ થયા બાદ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળશે. નોટિસ મળ્યા બાદ લોકો એકવાર રજૂઆત કરી શકશે, તેવી સુવિધા આપવામાં આવી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ નોટિસો આપવાનું શરૂ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કોર્પોરેશન, પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જંગલેશ્વર વિસ્તારમાં લઘુમતી કોમના લોકો વધુ હોવાને કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે કારણે નોટિસ આપવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે કરી શકાઈ હતી.


