રાજ્યમાં મિલકત સંબંધિત ગુનામાં દોષિત થયેલા ગુનેગારો સામે હવે વધુ સકંજો લાગુ કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનરને આ બાબતમાં સખત સૂચના આપવામાં આવી છે.
કોઈ અન્ય ગુનામાં સંડોવાય તો તેના પર કડક કાયદેસર કાર્યવાહી
સૂત્રો મુજબ, જો દોષિત જાહેર થયા બાદ પણ કોઈ અન્ય ગુનામાં સંડોવાય તો તેના પર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આવા ગુનેગારો સામે બીજા ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 13 (BNS કલમ 13) ઉમેરવામાં આવશે, જેનો ઉપયોગ રાજ્યમાં પહેલી વખત કરવામાં આવશે.
50 દોષિતોની યાદી તૈયાર કરી
આ કાયદા મુજબ આરોપીઓને આજીવન કેદની જોગવાઈ છે. રાજ્યના પોલીસ તંત્રએ હજુ સુધી એવા 50 દોષિતોની યાદી તૈયાર કરી છે અને તે દરેક આરોપીની માહિતી સંબંધિત જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મિલકત સંબંધિત ગુનાઓમાં ઘટાડો
પોલીસ અધિકારીઓનું માનવું છે કે, આ પગલાં ગુનેગારો પર સખત અસર કરશે અને રાજ્યમાં મિલકત સંબંધિત ગુનાઓમાં ઘટાડો થશે.


