વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ડિસેમ્બર શનિવારે સાંજે અસમના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટર્મિનલ બનાવવા માટે લગભગ 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દેશનું પ્રથમ પ્રકૃતિ આધારિત થીમ વાળું એરપોર્ટ ટર્મિનલ છે.
આજે અસમના વિકાસમાં એક નવો અધ્યાય જોડાયો: PM
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ નવા ટર્મિનલનું નિરિક્ષણ પણ કર્યું. આ એરપોર્ટ અસમના પ્રથમ મુખ્યપ્રધાન લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈના નામ પર છે. એરપોર્ટ પરિસરની બહાર તેમની 80 ફૂટ ઉંચી પ્રતિમાનું પણ વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું છે. એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અસમની માટી સાથે મારી લાગણી છે, અહીંના લોકોનો પ્રેમ, ખાસ કરીને અસમ અને સમગ્ર પૂર્વોતરની માતાઓ અને બહેનોનો સ્નેહ મને સતત પ્રેરિત કરે છે. તેનાથી પૂર્વોતરના વિકાસ માટે અમારો સંકલ્પ વધારે મજબૂત બને છે. આજે અસમના વિકાસમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે.
કેટલી છે ટર્મિનલની ક્ષમતા ?
નવા ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 1 કરોડ 30 લાખથી વધારે મુસાફરોની હશે. તેનાથી તે પૂર્વોતર ભારતનું સૌથી મોટું એરપોર્ટ ટર્મિનલ બની ગયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 5000 કરોડ રૂપિયા છે. તેમાંથી 1000 કરોડ રૂપિયા મેઈનટેનન્સ અને ઓવરહોલ સુવિધાઓ માટે રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ એરપોર્ટ પૂર્વોતર ભારત માટે એક મોટા કેન્દ્ર તરીકે કામ કરશે અને દક્ષિણ પૂર્વ એશિયા માટે ગેટ વે બનશે. ટર્મિનલનો વિકાસ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે કર્યો છે.
તેની ડિઝાઈન વાંસ અને ઓર્કિડ પર આધારિત પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અસમ અને પૂર્વોતરના સાંસ્કૃતિક ઓળખને દર્શાવે છે. આ પરિયોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે સમન્વય રહ્યો. અસમના મુખ્યપ્રધાન હિંમત બિસ્વા સરમાએ પ્રથમ ટર્મિનલ સુધી જતા રસ્તાઓના વિસ્તાર માટે 116.2 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને પરિયોજનાની સુવિધાઓની સમીક્ષા પણ કરી હતી.


