રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ભણવા માટે રશિયા ગયેલા એક ગુજરાતી વિદ્યાર્થીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગુજરાતી યુવક કહી રહ્યો છે કે, યુદ્ધ માટે રશિયન સેનામાં સામેલ થવા માટે તેની પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ યુવક યુક્રેનમાં છે. તેનું નામ સાહિલ મોહમ્મદ હુસેન છે. જે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ માટે રશિયા ગયો હતો.
ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
સાહિલ મોહમ્મદ હુસેને એક વીડિયો મેસેજમાં લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ હાલતમાં રશિયન સેનામાં સામેલ ના થાય. તેણે કહ્યું હતું કે, તેના પર રશિયન સેનામાં સામેલ થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેને એક ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કથિત રીતે રશિયન સેનામાં સેવા માટે સામેલ થવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. તેને યુક્રેન સેનાએ પકડી પાડ્યો છે. ગુજરાતના મોરબીના આ યુવકે ભારત સરકારને વતન પરત લાવવા માટે અપીલ કરી છે.
રશિયામાં ભણવા માટે ગયો હતો
આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે, તે રશિયામાં ભણવા માટે ગયો હતો. અભ્યાસ દરમિયાન તે એક કુરિયર કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, રશિયાની પોલીસે તેને કથિત રીતે ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યો હતો અને કહ્યું હતું કે, જો તે રશિયન સેનામાં સેવા આપશે તો તેની પર લગાવવામાં આવેલા કેસ ખતમ કરી દેવાશે. એક અન્ય વીડિયોમાં તેણે કહ્યું હતું કે, ડ્રગ્સના ખોટા કેસમાંથી છૂટકારો પામવા માટે તેણે રશિયાનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો છે.
રશિયન સેનામાં તેને ફ્રંટ લાઈનમાં મોકલી દેવાયો
તેણે કહ્યું હતું કે, 15 દિવસની ટ્રેનિંગ બાદ રશિયન સેનામાં તેને ફ્રંટ લાઈનમાં મોકલી દેવાયો હતો. ફ્રંટ લાઈન પર આવતા જ તેણે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું છે. યુક્રેનની સેનાએ તેના વીડિયો ગુજરાતમા તેની માતાને મોકલ્યા હતાં. તેમજ તેમને રશિયન સેનામાં ભારતીયોને ખોટી રીતે ભરતી કરવા અંગે જાગૃતિ ફેલાવવા માટે કહ્યું હતું. યુવકે કહ્યું હતું કે, હું સરકારને અનુરોધ કરૂ છું કે, મને સુરક્ષિત વતન લાવવા માટે રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે વાત કરે. આ યુવકની માતાએ તેને પરત લાવવા માટે દિલ્હીની એક કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં થશે.
ભારતના વિદેશ સચિવે શું કહ્યું
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાંચમી ડિસેમ્બરે કહ્યું હતું કે, ભારત રશિયન સેનામાં સામેલ થયેલા પોતાના નાગરિકોને છોડાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે અને આગળ કોઈ પણ પ્રકારની ભરતીથી બચવા માટે ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દો રશિયન પ્રેસિડેન્ટ પુતિન સામે ઉઠાવ્યો હતો અને તેના પર થયેલી વાતચીત પર જોર આપવામાં આવ્યું હતું.


