દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં તા 25 થી તા.31 ડિસેમ્બર દરમિયાન સ્વ. શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્યથી વિશ્વવિખ્યાત કથાવાચક રમેશભાઈ ઓઝા દ્વારા પ્રથમવાર શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે.
ઝાલોદના વણકતલાઈ રોડ પર સાત દિવસ સુધી બપોરે 3 થી 6 સુધી શ્રીમદ ભાગવત કથાની અમૃતધારા વહેશે. પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ આશરે 63 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને આધુનિક ડોમ તૈયાર કરાયો છે. જેમાં એકસાથે 15 થી 20 હજાર જેટલા ભક્તો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ડોમમાં પાછળ બેસેલા ભક્તો પણ કથાના દર્શન અને શ્રવણથી વંચિત ના રહે તે માટે 6 થી 7 મોટી LED સ્ક્રીનો લગાવાયા છે.સમગ્ર મંડપને CCTV કેમેરાથી સજ્જ કરાયો છે. 300થી વધુ સ્વયંસેવકોની વિશાળ ટીમ વોકી-ટોકી સાથે દિવસ-રાત ફરજ પર રહેશે. ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 3 અલગ-અલગ ગેટ બનાવાયા છે, જેથી ભીડ નિયંત્રણ સરળતાથી થઈ શકે અને કોઈ અવ્યવસ્થા ના સર્જાય.
કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે
તા.25મીએ મુવાડા રામજી મંદિરથી ભવ્ય પોથી યાત્રા સાથે કથાનો આરંભ થશે. તા. 26મી એ મહિલા શક્તિ મંડળ દ્વારા આનંદનો ગરબો યોજાશે.તા. 28ના કૃષ્ણ જન્મોત્સવ, તા. 29ના ગોવર્ધન પૂજા, તા. 30ના રુકમણી વિવાહ, જ્યારે તા. 28ના લોકગાયક કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાશે. તા. 31ના કથાની પૂર્ણાહુતિ સાથે આ મહાયજ્ઞનું સમાપન થશે. રોજ સાંજે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


