દેડિયાપાડા થી – માલ સામોટ વચ્ચેના રોડ ઉપર ત્રણ પુલના કામનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઇન કર્યુ હતું. તેમ છતા આ કામગીરીમાં નર્મદા જિલ્લાનું જંગલ ખાતુ અવરોધ ઉભુ કરી રહ્યું છે. તાજેતરમાં જ આ 3 પુલની કામગીરી અટકાવીને જંગલ ખાતાએ કોન્ટ્રાક્ટરના વાહનો જપ્ત કર્યા હતા.
કેલદા ખાડી (સગાઈ ) ખાતેનો પુલ, મોઝદા – કોકટી ફળીયા પુલ અને સિંગલોટી ફોરેસ્ટ બેરીકેરટની પાસે ખાડી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં છે. ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ પુલની મરામત માટે રૂા. 30 કરોડ ફાળવેલા છે. દેડિયાપાડા ખાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા ત્યારે તેમના દ્વારા આ ત્રણ પુલોના કામનું ખાતમુહૂર્ત ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામા આવી છે. પુલ ઉપરથી આવન જાવન બંધ હોવાથી ત્રણ પુલની બાજુમાં ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.
ડાયવર્ઝનની કામગીરી ગેરકાયદે હોવાનું કારણ આગળ ધરીને નર્મદા DFO અભય કુમાર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીના ચાર વાહનો અને સાધનો સીઝ કરી સગાઈ રેન્જમાં મુકી દીધાં છે. જાણવા મળેલી માહિતી મુજબ નર્મદા DFOએ કોન્ટ્રાકટરને અગાઉ સુચના આપી હતી કે કેન્દ્રમાંથી મંજુરી મેળવવી પછી જ પુલની કામગીરી શરૂ કરવી પરંતુ કોન્ટ્રાક્ટરે તે સુચનાનું પાલન નહી કરતા આ સમસ્યા ઉભી થઇ છે.
જંગલખાતા સામે આંદોલન કરવામાં આવશે : સાંસદ
જંગલ ખાતાએ ત્રણ પુલોની કામગીરી રોક્યા બાદ તા.24 ડિસેમ્બર બુધવારે સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાને ખાત મુહૂર્ત કર્યુ છે, સરકાર દ્વારા મંજુરી મળી ગઇ છે તેમ છતાં જંગલ ખાતાએ કામગીરી રોકી છે. આ કામગીરી રોકાતા આ વિસ્તારનો વિકાસ રોકાયો છે. જંગલખાતાની આ પ્રવૃતિ નેગેટિવ છે. લોકો સાથે રહીને જંગલ ખાતા વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા આવશે.


