માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી 16 કિલો ચાંદી પ્લોટમાં ફેંકી દીધી; અગાઉ સોનાની ચોરીમાં પણ ઝડપાયાનો ખુલાસો
રાજકોટ: શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા મહારાષ્ટ્રીયન દંપતીને ત્યાં કામ કરતા કારીગરે જ હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેલનાથપરાના કારીગર વિજય નાગાણીએ માત્ર 10 મિનિટના ગાળામાં રૂ. 17.60 લાખની કિંમતનું 16 કિલો કાચું ચાંદી ચોરી કરી નાસી છૂટ્યો હતો, જેને ઝોન-1 LCBની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

ચોરીનો ઘટનાક્રમ: 10 મિનિટમાં ખેલ પાડ્યો
ફરિયાદી રાહુલ સાવંત જ્યારે અન્ય વેપારીને માલ આપવા ગયા હતા અને તેમની પત્ની રડતા પુત્રને લઈને ઘરની બહાર નીકળ્યા, ત્યારે કારીગર વિજયે મોકો જોઈ લીધો હતો. તેણે ત્રીજા માળે આવેલા કારખાનામાંથી ચાંદીનું પોટલું બાજુના ખુલ્લા પ્લોટમાં ફેંકી દીધું અને પોતે તરત જ ત્યાંથી સરકી ગયો હતો. બાદમાં પ્લોટમાંથી ચાંદી લઈ તે ફરાર થઈ ગયો હતો.
ચોટીલાની વાડીમાં ચાંદી દાટી દીધું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ચોરી કર્યા બાદ વિજય બાઈક પર ચોટીલા પહોંચ્યો હતો. ત્યાં પોતાની વાડીમાં ચાંદી જમીનમાં દાટી દીધું હતું. આરોપી ચોરેલી ચાંદી વેચવા માટે ગ્રાહકની શોધમાં હતો અને 5 કિલો ચાંદી ઓગાળીને રાજકોટ વેચવા આવ્યો ત્યારે જ LCBના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ:
-
ચાંદી: 15 કિલો (કિંમત રૂ. 15.47 લાખ)
-
વાહન: જીજે.03.એનએમ.1442 નંબરનું બાઈક
-
કુલ રિકવરી: રૂ. 15.97 લાખનો મુદ્દામાલ
ગુનાહિત ઈતિહાસ
પકડાયેલ આરોપી વિજય નટુભાઈ નાગાણી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ તે માલવિયાનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં 1 કિલો સોનાની ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


