દોઢ મહિના પહેલા જ આવ્યો હતો અને કળા કરી ફરાર : ૨૨ કેરેટ સોનાના 3૨૦ ગ્રામ દાગીના ટેબલમાંથી કાઢી ગયો
રાજકોટની સોની બજારમાંથી બંગાળી કારીગરો અવારનવાર વેપારીઓનું સોનુ ચાંદી લઈ ફરાર થઇ જવાના બનાવ સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક બંગાળી કારીગર રૂ.36.40 લાખનું સોનુ ચોરી જતાં એ ડિવિઝન પોલીસ મથકમાં બંગાળી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના વતની અને હાલ રાજકોટના પેલેસ રોડ પર શિવા મહારાજ શેરીમાં રહેતા 50 વર્ષીય વેપારી સીમેન રામચંદ્ર સામંતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બંગાળી કારીગર અજય બબલુ મલિકનુ નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર, બોઘાણી શેરી, જુમ્મા મસ્જીદ ચોક પાસે આવેલ ગીરીરાજ કુંજ નામના મકાનમા શિવ દુર્ગા જવેલર્સ નામની ત્રણ માળની દુકાને સોનાના ઘરેણા કારીગરો દ્રારા બનાવવાનુ કામ કરે છે. તેઓને ત્યાં પંદર કર્મચારીઓ કામ કરે છે.
ફરીયાદીને ત્યાં અજય બબલુ મલીક (રહે. હુગલી પશ્ચિમ બંગાળ) છેલ્લા પાંચેક મહીના પહેલા કામે આવેલ હતો. બે મહીના કામ કર્યા બાદ તેમના પિતાની તબીયત ખરાબ થઇ જતા તે પોતાના ગામ જતો રહેલ હતો. દોઢેક મહીના પહેલા અજય મલીક પરત કામે આવેલ હતો. તે દુકાને રહી સોનાના દાગીના બનાવવાનુ કામ કરતો હતો. ગઇ તા.10 ના શિવ દુર્ગા જવેલર્સમાંથી સોનાના દાગીના ઉપર નકશી કામ કરવા આવેલ હતુ. જે અજય મલીકને 22 કેરેટ સોનાના દાગીના 320 ગ્રામ નકશીકામ માટે આપેલ હતાં.
ગઇ તા.12 ના સવારના રાબેતા મુજબ તેઓ કામે આવેલ હતો. ત્યારે અજય મલીક જોવા નહિ મળતા તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા ફોન બંધ આવતો હતો. બાદ દુકાનમાં લગાવેલ કેમેરા જોતા અજય મલીક તા.12 ના વહેલી સવારના સાડા છ વાગ્યે તેને નકશીકામ કરવા આપેલ 22 કેરેટ સોનાના દાગીના આશરે 320 ગ્રામના તેણે ટેબલના ખાનામાં રાખેલ તે કાઢી લઇ જતો જોવામા આવેલ હતો.
જેથી વહેલી સવારે રૂ. 36,40,910 ની કિંમતનુ 320 ગ્રામ સોનુ બંગાળી કારીગર ઉઠાવી જતાં એ ડિવિઝન પોલીસની ટીમે અજય મલિક વિરુદ્ધ નોકરચોરીનો ગુનો નોંધી શોધખોળ આદરી હતી.


