૧૦ વર્ષથી નવચંડી યજ્ઞ, હનુમાન જયંતિએ ૧.૨3 લાખ ચંડીપાઠ જાપ અને ૧૧ દિવસીય મહોત્સવમાં ૧.૮ કરોડથી વધુ ભાવિકોએ આહુતિ અર્પણ કરી
અમદાવાદ ગ્રામ્યના માંડલ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કરુણામયી જગત જનની ખંભલાય માતાજીના ધામે ઈતિહાસ રચી દીધો છે. માંડલમાં આયોજિત ભવ્ય લક્ષચંડી મહામહોત્સવ દરમિયાન ‘વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા’ દ્વારા એકસાથે ત્રણ નવા વિશ્વ વિક્રમોની નોંધ લેવામાં આવી છે.
ખંભલાય ધામે પોતાની અવિરત ભક્તિ અને શ્રદ્ધાના જોરે માતાજીના નીજ મંદિરે છેલ્લા એક દાયકા (૧૦ વર્ષ) થી સતત ચાલી રહેલ નવચંડી યજ્ઞનો અજોડ રેકોર્ડ. ગત હનુમાન જયંતિથી ધનતેરસ સુધીના સાડા છ માસમાં ૯૯ ભૂદેવો દ્વારા સંપન્ન થયેલ મંત્રોચ્ચારનું અનુષ્ઠાન અને ૧૧ દિવસીય મહોત્સવમાં ૧ કરોડ ૮ લાખથી વધુ આહુતિઓ અર્પણ કરવાનો ભવ્ય રેકોર્ડ.
‘વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા’ના ચીફ એડિટર પવન સોલંકી અને તેમની ટીમ દ્વારા માંડલ ખાતે ઉપસ્થિત રહીને સંસ્થાને ત્રણેય રેકોર્ડના સર્ટિફિકેટ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમવાર ૨૫૫ યજમાનોને પણ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે એક અભૂતપૂર્વ ઘટના છે.
આશરે ૭૦૦ વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતું આ ધામ શ્રદ્ધાનું કેન્દ્ર છે. માગશર સુદ-૧૪ ના રોજ તળાવની મધ્યમાં પ્રગટ થયેલા માતાજીને વસંત પંચમીના દિવસે ભક્તો દ્વારા ખભા પર ઊંચકીને લાવવામાં આવ્યા હોવાથી તેઓ ‘ખંભલાય માઁ’ તરીકે ઓળખાય છે. તળાવની વચ્ચે ૫૧ શક્તિપીઠના દર્શન અને મંદિરમાં બિરાજમાન ચામુંડા સ્વરૂપ ખંભલાય માતાજીના દર્શને હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
ટ્રસ્ટના સેક્રેટરી મુકેશ રાવલે જણાવ્યું હતું કે, “આ માત્ર મંદિરનો નહીં પણ સમગ્ર માંડલ અને ભક્તોની આસ્થાનો વિજય છે. માંડલના ૮૦૦૦ વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનો લક્ષચંડી મહાયાગ પ્રથમવાર યોજાયો છે અને માતાજીની અસીમ કૃપાથી આપણને આ ત્રણ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા છે.”


