કાટ લાગેલી ખીલાસડીઓ અને હલકા મટીરીયલનો વપરાશ
આધાર પુરાવા સાથેની સરકારમાં અને તંત્રમાં ફરિયાદ કરવા છતાં કામગીરી યથાવત અને તંત્ર ઘોર નિદ્રામાં
ઉપલેટા શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા ‘મહેસુલ ભવન’ ના કામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જાગૃત નાગરિક દ્વારા પુરાવાઓ સાથે બે-બે વાર લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ તપાસ કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા પ્રબળ બની છે.
નાગરિકો માટે વધુ સારી સુવિધા અને સેવા મળી શકે અને આધુનિક બિલ્ડીંગ મળે તે માટે ઉપલેટામાં ટેન્ડર નંબર ૧૧૬૦૫૬ હેઠળ વી.એમ. સોજીત્રા એજન્સી દ્વારા મહેસુલ ભવનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામમાં એજન્સી દ્વારા શરૂઆતથી જ સરકારી નિયમોને નેવે મૂકીને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો અને પુરાવાઓ સાથે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે.
અહીંયા બાંધકામમાં વપરાતા સફેદ પથ્થરો (બેલા) અને સિમેન્ટ કોન્ક્રીટમાં નિયમ મુજબના માપદંડો જળવાતા નથી, છેલ્લા ૩ મહિનાથી સાઈટ પર માર્ગ અને મકાન વિભાગનો કોઈ પણ જવાબદાર કર્મચારી કે અધિકારી જોવા મળ્યો નથી, સાઈટ પર કામ કરતા મજૂરો માટે હેલ્મેટ કે સેફ્ટીના કોઈ પણ સાધનો ઉપલબ્ધ નથી.
અરજદારે તારીખ ૦૮/૧૨/૨૦૨૫ ના રોજ પુરાવાઓ સાથે જેતપુર નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને પ્રથમ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ૨૫/૧૨/૨૦૨૫ ના રોજ પુરાવાઓ સાથે બીજી રિમાઇન્ડર ફરિયાદ કરી હોવા છતાં એજન્સીનું કામ બેરોકટોક ચાલુ છે. અરજદારે જી.પી.એસ. લોકેશન સાથેના ફોટાઓ રજૂ કરીને કામમાં થતી ક્ષતિઓ સાબિત કરી છે, તેમ છતાં જેતપુર માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.
ફરિયાદીએ ચીમકી આપી છે કે જો આગામી ૭ દિવસમાં આ નબળું કામ અટકાવીને લેબ ટેસ્ટિંગ કરવામાં નહીં આવે, તો તેઓ આ તમામ પુરાવાઓ સાથે માનનીય મુખ્યમંત્રી, વિજિલન્સ કમિશનર અને ન્યાયપાલિકાના દ્વાર ખટખટાવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સરકારના લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ ભવનમાં ભ્રષ્ટાચાર રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ જવાબદારીઓ સાથે તપ કરવા મેદાને આવે છે કે પછી આ ગેરરીતિ પર પડદો પાડી દેવામાં રસ્તાઓ કાઢે છે તે જોવાનું રહ્યું.


