વિભાગ વાઇઝ કર્મચારીઓની વિગત સપ્તાહમાં આપવા HR વિભાગનો પરિપત્ર
વીજ કંપની પીજીવીસીએલમાં મોટીસાફ સુફીના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રની લાંબા સમય પછી અમલવારી કરવાના ભાગરૂપે તમામ સર્કલ ઓફિસ અને બે ઝોનલ ઓફિસ પાસેથી એક જ વિભાગમાં ૩ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાના નિર્દેશથી કર્મચારી આલમમાં કચવાટની લાગણી પ્રસરી ગઈ છે.
વીજ કચેરીના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા પીજીવીસીએલના એચઆર વિભાગ દ્વારા રાજકોટ (શહેર), રાજકોટ ગ્રામ્ય, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી સર્કલ ઓફિસમાં એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં ૩ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા દરેક કેડરના કર્મચારી-અધિકારીઓની બદલી કરવાની સૂચના આપવામાં આવી છે.
તમામ સર્કલ ઓફિસને કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં ૩ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની યાદી તૈયાર કરી તેની જાણ ૮ દિવસમાં વડી કચેરીમાં કરવી અને બદલી પાત્ર ત્રણ પસંદગીના કર્મચારીઓ લેવાની કવાયત હાથ ધરવા જણાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ પહેલા એક સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ તેની અમલવારી પીજીવીસીએલમાં કરવામાં આવી ન હતી પરંતુ અચાનક જ બદલી કરવાનો પરિપત્ર કરવામાં આવતા કર્મચારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


