રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાના ખેડૂતો ચિંતીત
કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું : કચ્છમાં ઝાપટા વરસ્યા
રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, દ્વારકા જિલ્લામાં પડેલા કમોસમી માવઠાથી રાયડો, એરંડૂ, જીરૂ, ઘંઉ સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી ઉભી થવા પામી છે.
સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં પણ બપોરે બે વાગ્યે વરસાદ વરસ્યો કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે માવઠાની આગાહીના પગલે જોરદાર ઝાપટાં પડ્યાં હતાં.
રાજકોટ અને ધોરાજીમાં છૂટોછ
વાયો વરસાદ રાજકોટ શહેરમાં સાંજે 5 વાગ્યાથી કાલાવડ રોડ સહિત જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં વડિયાગીર સહિતના વાડી વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભરશિયાળે થયેલા આ કમોસમી વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળુ પાક (રવિ પાક) જેવા કે ઘઉં, ચણા, તુવેર અને ધાણાના વાવેતરને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ કમોસમી વરસાદથી જીરુ, ચણા, ધાણા અને ઘઉં સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. ગણતરીની કલાકોમાં જ લોકોના ઘર અને શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. આ અણધાર્યા વરસાદથી શિયાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
આવતીકાલથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
વરસાદી માહોલ બાદ આવતીકાલ તા.2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.


