ટોળકી બંદૂકથી ફાયરીંગ કરી નીલગાયને મારી નાખતી હતી
સેજકપરની સીમમાંથી બે શખ્સો ઝડપાયા : ત્રણ અંધારાનો લાભ લઇ નાસી છૂટયા
સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના શિકારની ગંભીર ઘટના સામે આવી છે. સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલ નીલગાયનો શિકાર કરી તેના માંસનો વેપલો કરતી ટોળકીનો સાયલા ફોરેસ્ટ વિભાગે પર્દાફાશ કર્યો છે. સેજકપર ગામની સીમમાં મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં બે શિકારીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય ત્રણ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સામાજિક વનીકરણ વિભાગના RFO સાગર મકવાણા, ભવાનીસિંહ જાદવ અને નોર્મલ વિભાગના સ્ટાફને બાતમી મળી હતી કે સેજકપરની સીમમાં નીલગાયનો શિકાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી. દરોડા દરમિયાન શિકારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગે સ્થળ પરથી હનીફ ઇબ્રાહિમ સંધી (રહે. મિરઝાપુર, અમદાવાદ) અને જુનૈદ અહેમદ કુરેશી (રહે. જુના દેલવાડા, મહેસાણા) ને ઝડપી પાડ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી પહેલા બંદૂકથી નીલગાય પર ફાયરિંગ કરી તેને મારી નાખતી હતી. ત્યારબાદ ધારદાર છરા અને સળિયા જેવા હથિયારોથી તેના અંગો અલગ કરી માંસ તૈયાર કરવામાં આવતું હતું. વન વિભાગે ઘટનાસ્થળેથીએક કાર અને એક બાઇક, નીલગાયના માંસનો જથ્થો, ધારદાર છરા અને લોખંડના સળિયા જપ્ત કર્યા છે.
મૃત નીલગાયના અવશેષોનું પીએમ કરી નમૂના લેબમાં મોકલાયા
વન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સકો દ્વારા મૃત નીલગાયના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરી નમૂના ફોરેન્સિક લેબ (FSL) માં મોકલવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.


