કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી સમગ્ર રૂટ પર ફરી વ્યવસ્થા અંગે ચકાસણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મારવાડી કોલેજ ખાતે તા.૧૧-૧૨ જાન્યુઆરી વાઇબ્રન્ટ યોજાવાની છે. આ વાયબ્રન્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તા.૧૧મીએ વડાપ્રધાન રાજકોટ ખાતે આવશે. જે અંતર્ગત આવતીકાલે સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ રાજકોટ ખાતે આવશે અને વડાપ્રધાનના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરશે. આ કામગીરી દરમિયાન રાજકોટ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવશે.

કલેકટર કચેરીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન ૧૧મીએ જૂના એરપોર્ટ ખાતે બપોરે ૧:3૦ કલાકે રાજકોટ આવશે અને ત્યાંથી તેઓ મોટર માર્ગે મારવાડી કોલેજ ખાતે જશે. આ સમગ્ર રૂટમાં કોઇપણ જાતની ક્ષતિ ન રહે તેમજ સફળતા પૂર્વક કામગીરી થાય તે માટે આવતીકાલે એસપીજી દ્વારા કલેકટરને સાથે રાખી સમગ્ર રૂટનું રિહર્સલના રૂપમાં નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કરાશે.
કાર્યક્રમ અંતર્ગત ગઇકાલે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી અને કોન્ફરન્સમાં વડાપ્રધાન ઉત્સાહ વધારવા આવવાના હોવાનું જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાનને લઇ સુરક્ષા વ્યવસ્થાની પણ હર્ષ સંઘવી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે વડાપ્રધાન કોન્ફરન્સમાં આવતા હોવાથી સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને પણ રાજય સરકાર દ્વારા એલર્ટ કરવામાં આવી છે અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બંદોબસ્ત અને વ્યવસ્થાને લઇ આવતીકાલે એસપીજી કમાન્ડો વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ કરશે તેવું કલેકટર કચેરીના સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.


