થાનગઢ નજીકના ચોરાવીરામાં કાર્બોસેલના કુવામાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયા?
ખાડા પર ત્રણ અગરબતી જોતા મજૂર દટાયા હોવાની તંત્રને આશંકા : મજૂરને કાઢવા અશકય હોય ત્યારે અગરબતી કરાતી હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, ચોટીલા
ચોટીલા પ્રાંતે પોતાના વિસ્તારમાં તો કાર્બસેલના ગેરકાયદેસર ખોદકામ ઉપર તવાઇ બોલાવી છે. જેણે કારણે ભૂમાફિયાઓ અત્યારે ભુગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ સાયલા પંથકમાં હજુ પણ કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે. આવા સમયે ચોરવીરામાં આવેલી ખાણમાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયાની આશંકાએ તપાસ હાથ ધરાઇ છે. થાન વગડીયા રોડ ઉપર જમણી બાજુએ ચોરવીરાની સીમ આવેલી છે. જયા રોડથી અંદાજે 3 કિમી દૂર કાર્બોસેલનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. સોમવારે ખાડામાં ભેખડ ઘસી પડવાને કારણે બે મજૂરના દટાઇ જવાથી મોત થયાની ઘટના બની હતી.
આ બનાવની જાણ થતા સાયલાના ઇન્ચાર્જ મામલતદાર વી.આર.શુકલ ઘટના સ્થળે પહોચ્યા હતા. પરંતુ કોઇ આરોપી હાથ લાગ્યુ ન હતુ. બનાવના સ્થળેથી તાજો કાઢવામાં આવેલો કોલસો, ચરખીના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત બહાર કાઢવામાં આવેલુ તાજુ પાણી અને પાણી કાઢવા માટે ડેડકો પણ મળી આવ્યો હતો.
કાર્બોસેલના ખાડામાં છાસવારે મજૂરના મોત થવાની ઘટના બને છે. પરંતુ પરપ્રાંતિય મજુરોને પૈસા આપીને મામલો દબાવી દેવામાં આવતો હોય છે. જયારે પણ ખાડામાં મજૂરનું મોત થાય છે અને મજૂરને બહાર કાઢી શકાય તેમ ન હોય ત્યારે ખાડા ઉપર અગરબત્તી કરી દેવામાં આવે છે. ચોરવીરાના આ ખાડા ઉપર પણ અગરબત્તી કરાઇ હતી. હાલ કોઇએ બોલવા તૈયાર નથી.
સામાન્ય રીતે ચોરવીરા પંથકમાં રાત્રીના સમયે જ ખોદકામ કરવામાં આવે છે. રાત્રીના 10થી વહેલી સવારે 5 વાગ્યા સુધી ખોદકામ થતુ હોય છે. આ પંથકનો કોલસો ભૂખરો છે. આથી તે રાત્રીના સમયે સંકોચાઇ જતો હોય છે. તે દરમિયાન ખોદકામ કરવામાં આવે તો ભેખડ પડવાની સકયતાઓ વધી જાય છે. અને આથી જ ભેખડો પડવાના બનાવો વધુ બને છે. ભેખડ પડે એટલે અંદર રહેલા માણશને કાઢવો અસકય બની જતો હોય છે. તેમ ખાણ ખનીજના નિવૃત કર્મચારી વૈષ્ણવભાઇએ જણાવ્યું હતું.


