દરરોજ નવી મળતી સુચનાથી BLOની કામગીરી કરતા રાજકોટના 600 શિક્ષકો પરેશાન
મેપીંગમાં ન આવેલા 2.52 લાખ મતદારોને શોધવાની જવાબદારી BLOની, છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડતી અસર : નગર પ્રાથમિક શિક્ષણ સમીતિના શિક્ષકોની કલેકટરને રજુઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના 600 શિક્ષકોને BLOના ઓર્ડર કરવામાં આવ્યા હતા. કામગીરી પૂર્ણ થવા છતાં દરરોજ નીકળતા નવા નવા ઓર્ડરથીને શિક્ષકો કંટાળી ગયા છે. આ અંગે આજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે વર્ષ 2002 ની મતદારયાદીમાં જેમનું નામ મેચ થયું નથી તેવા 2,52,512 મતદારોને શોધી રૂબરૂ હાજર કરવાનું દબાણ બુથ લેવલ ઓફિસર પર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરરોજ નવી સૂચનાઓ આપી પરેશાન કરવામાં આવતા હોવાથી BLO ની કામગીરીમાં રોકાયેલા રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ વિધાનસભામાં એકસરખી રીતે સૂચના આપી કામગીરી કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
શિક્ષક ધવલ શેખલિયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો SIR અંતર્ગત BLO ની કામગીરીમાં છેલ્લા બે મહિનાથી રોકાયેલા છે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જે કામગીરીનો પણ વિરોધ નથી પરંતુ તેમાં અલગ અલગ વિધાનસભા વાઈસ જુદા નિયમોથી સમસ્યા છે. જેમાં 2002 ની મતદારયાદી સાથે જમના નામ મેચ થયા નથી તેમનો લિવિંગ સર્ટિફિકેટનું પુરાવો અગાઉ માન્ય રાખવામાં આવ્યો હતો પરંતુ હવે તે માન્ય નહીં રહે તેવું જાહેર કરાયું છે અને મતદારોને નોટિસ બાદ રૂબરૂ હાજર કરવા માટેનું દબાણ BLO પર કરવામાં આવે છે. આ ઉપરાંત મતદારોના ઘરે બીજી વખત ડોક્યુમેન્ટ લેવા માટેનું કહેવામાં આવતા રોષનો ભોગ બુથ લેવલ ઓફિસર બની રહ્યા છે.
રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 થી વધુ શિક્ષકો રાજકોટની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય ચૂંટણીપંચ અને જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા વખતો વખત સોંપવામાં આવતી આ તમામ કામગીરી અમારા શિક્ષણ કાર્ય ઉપરાંતની કામગીરી હોવા છતાં ખુબજ નિષ્ઠાથી કરી રહ્યા છીએ. આ કામગીરી દરમિયાન શિક્ષકોને 9 મુદ્દાઓને લઈને પડતી મુશ્કેલી દૂર કરવા માટેની માંગણી છે.
1.હાલમાં સમગ્ર ભારતમાં ચુંટણીપંચ દ્વારા SIR કામગીરી ચાલુ હોય, આ બાબતની કામગીરી તમામ BLO દ્વારા કરવાની થતી હોય તમામ વિધાનસભાના તમામ BLO ને કામગીરી દરેક વિધાનસભામાં એક સરખી જ સુચનાથી આપવામાં આવે એવી અમારી મુખ્ય રજૂઆત છે. 2. એક વિધાનસભામાં ડોક્યુમેન્ટ જમા થઈ ગયા છે એમને નોટીસ આપવાની જરૂર નથી.જયારે બીજી બધી વિધાનસભામાં ડોક્યુમેન્ટ આવ્યા હોય કે નહિ ફરજીયાત નોટીસ આપી હાજર રાખવાની સુચના આપવામાં આવી છે. 3. એક વિધાનસભામાં લોજીકલ માટે એક પેઇજ આપેલ છે જેમાં તમામના નામ લખી BLO અભિપ્રાય આપે એટલે તમામના ઓન રોલ, જયારે બીજી વિધાનસભામાં લોજીકલ વાળા બધા પેરેન્ટ્સ ના અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સના ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાની સુચના છે. 4. જો નોટીસની તારીખ ઘણી મોડી હોવા છતાં શા માટે એક જ દિવસમાં આ કામગીરી પૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે ? વધુમાં અમુક વિધાનસભામાં નોટીસ માટેનું સાહિત્ય પણ હજી સુધી પૂરું પાડવામાં આવેલ નથી. 5. 65 વર્ષથી વધુ વયના મતદારો પાસે 11 પુરાવા પૈકીના પુરાવા મેળવવા ખુબજ મુશ્કેલભર્યુ છે. તેમાં LC માન્ય પુરાવો ગણી અપલોડ કરવા પ્રથમ જણાવવામાં આવેલ હતુ. હવે ફરીથી LC ના પુરાવાની અવગણના કરી માન્ય 11 પુરાવામાંથી કોઈ એક પુરાવાને જ ધ્યાનમાં લેવાની સુચના થયેલ છે. આવી વિરોધાભાસી સુચનાથી BLOની કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. 6. હિયરીંગની પ્રક્રિયામાંથી BLOને બાકાત રાખવામાં આવે. કારણકે એક વખત મતદારો દ્વારા ડોક્યુમેન્ટ આપી દીધેલા છે. ફરી વખત BLO દ્વારા ડોક્યુમેન્ટ લેવામાં આવે તો રોષનો ભોગ BLO ને જ બનવું પડે છે. 7. ઉપલી કચેરી દ્વારા BLO ને કરવાની થતી કામગીરી વિશે સ્પષ્ટ અને સમજાય એવી સરળ રીતે સમજ આપવામાં આવતી નથી. એપ્લીકેશનમાં નવું મેનુ અપગ્રેડ કરી માત્ર કામ પૂર્ણ કરવાની સુચના આપી દેવામાં આવે છે. 8.સમગ્ર SIR કાર્યક્રમમાં BLOને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઉપલી કચેરી દ્વારા BLOને પડતી મુશ્કેલી બાબતે કોઈ મીટીંગ થઇ નથી કે કે કોઈ મુશ્કેલી વિષયક માર્ગદર્શન કે તાલીમ આપવામાં આવેલી નથી. 9. 600 જેટલા શિક્ષકો BLO તરીકે આજે આપણી વિવિધ વિધાનસભામાં કામગીરી કરી રહ્યા છે. અન્ય વિભાગના પણ કર્મચારીઓને સમાન ગણી તેમને પણ આ કામગીરી સોંપવામાં આવે જેથી અમારા વધારે કામ કરતા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તો શિક્ષણ કાર્યમાં આવતી મુશ્કેલીઓ પણ નિવારી શકાય.


