પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ આમને–સામને
હત્યાના પ્રયાસમાં સામસામા ફાયરીંગથી પંથકમાં ભયનો માહોલ, પાંચ શખ્સો હથિયાર સાથે ઝડપાયા, મુખ્ય આરોપી કુલદીપ ખાચર ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં યુપી–બિહાર જેવી ફિલ્મી ઘટનાને વાસ્તવિકતા આપતી સામસામા ફાયરીંગની ઘટના સામે આવી છે. પવનચક્કીના ધંધામાં ચાલતી જૂની હરીફાઈ અને વેરઝેરને કારણે બે જૂથ વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. ઘટનામાં હત્યાનો પ્રયાસ થયાનો આરોપ સાથે વિંછીયા પોલીસે રાયોટીંગ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બનાવની ગંભીરતા જોતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ ફિરોઝભાઈ બ્લોચે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં લઘુ નાજ ધાંધલ, પ્રતાપ વલકુ ખાચર, ધ્રુવરાજ રાજેશ ધાંધલ, જયવંત ઉર્ફે જયુ ધાંધલ, રણજીત ધાંધલ સહિત કુલ નવ શખ્સોના નામ આરોપી તરીકે નોંધાયા છે. સામે પક્ષે કુખ્યાત ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુલદીપ શિવરાજ ખાચર, દેવેન્દ્ર ઉર્ફે ડેંડું બોરીચા, લાલો ગોવાળિયા અને જયદીપ પટગીર સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
પોલીસે નોંધાવેલી વિગતો મુજબ, પવનચક્કીના ધંધાને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી મનદુઃખ અને વિવાદ ચાલી રહ્યો હતો. બનાવના દિવસે કુલદીપ ખાચર પોતાની ટોળકી સાથે લઘુ ધાંધલના ઘરે જઈ ખુલ્લેઆમ ધમકી અને પડકાર ફેંકી ગયો હતો. ત્યારબાદ સમાપક્ષે પ્રતાપ ખાચર સહિતના લોકો ગંગાજળ જવાના બહાને વાહનો લઈને નીકળ્યા હતા. રસ્તામાં ઓરી ગામ તરફ જતાં બંને જૂથ સામસામે આવી ગયા હતા.
આ સમયે વાતચીત વિવાદમાં ફેરવાઈ અને અચાનક જ બંને તરફથી અંધાધૂંધ ફાયરીંગ શરૂ થઈ ગયું હતું. કુલદીપ ખાચરે પિસ્તોલમાંથી રાઉન્ડ ફાયર કર્યા હતા, જ્યારે સામે પક્ષે લાયસન્સવાળી બાર બોર ગન અને દેશી કટ્ટામાંથી જવાબી ફાયરીંગ થયું હતું. સદનસીબે આ ગોળીબારમાં કોઈને જાનહાનિ થઈ નહોતી, પરંતુ ખુલ્લા માર્ગ પર થયેલા ફાયરીંગથી આસપાસના વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો.
ફાયરીંગ બાદ બંને જૂથ વાહનો લઈને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી વિંછીયા પોલીસ ટીમે સમઢીયાળા ગામ તરફ જતા માર્ગ પર શંકાસ્પદ રીતે આવતી બે કાળી સ્કોર્પિયો અને એક સફેદ ફોર્ચ્યુનર કારને અટકાવી હતી. ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયોમાંથી 12 બોરના જીવતા અને ફૂટેલા કાર્ટ્રિજ મળ્યા હતા, જ્યારે અન્ય વાહનોમાંથી કુહાડી, ફરસી સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન લઘુ ધાંધલ, પ્રતાપ ખાચર, ધ્રુવરાજ ધાંધલ, જયવંત ધાંધલ અને રણજીત ધાંધલ સહિત પાંચ શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા. બીજી તરફ મુખ્ય આરોપી કુલદીપ ખાચર પોતાની ટોળકી સાથે ફરાર થવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સામા પક્ષે પ્રતાપ વલકુ ખાચરે પણ અલગથી ફરીયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, કુલદીપ ખાચરે અગાઉ તેના ઘરે આવી પિસ્તોલ સાથે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રસ્તામાં ફરી સામસામે આવી કુલદીપે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કર્યું હતું, જેના જવાબમાં તેણે પણ ગોળીબાર કર્યો હતો.
બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, એએસપી નવીન ચક્રવતી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના આપી હતી.
ખુલ્લા રસ્તા પર સામસામા ફાયરીંગ જેવી ઘટનાએ વિંછીયા સહિત સમગ્ર પંથકમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. પવનચક્કી જેવા મોટા વ્યવસાયમાં ચાલતી હરીફાઈ કયા હદે હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો આ બનાવ જીવંત દાખલો બન્યો છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોના ગુનાહિત ઇતિહાસ, હથિયારોના સ્ત્રોત અને ફાયરીંગની ચોક્કસ પરિસ્થિતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


