સ્વામિનારાયણ ગુરૂકૂળ વિદ્યાલયના શિક્ષકનું શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન
રાજય અને રાષ્ટ્રીય પારિતોષિક મેળવેલ શિક્ષકોનું પણ સન્માન થયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુરુજનોના સંકલન અને સંવાદિતા માટે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન સમર્પિત છે. તેની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશન શિક્ષણના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આનંદ નિકેતન સ્કુલ,સુઘડ, ગાંધીનગર ખાતે યોજાયુ હતું. જેમાં હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયા કે જેઓ ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરની સુપ્રસિદ્ધ શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તથા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રીટાબેન પટેલ-ધારાસભ્ય ગાંધીનગર, ડો. ટી.એસ.જોષી-વાઈસ ચાન્સેલર-ચિલ્ડ્રન યુનિવર્સિટી- ગાંધીનગર, વિવેક પટેલ-મેનેજિંગ ટ્રસ્ટી-આનંદ નિકેતન-સુઘડ, ડો.ભગવાનભાઈ પ્રજાપતિ-જિલ્લા શિક્ષણાધિકારી- ગાંધીનગર, તેમજ શિક્ષણવિદ અને સાહિત્યકાર રતિ-લાલ બોરીસાગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક મેળવેલ શિક્ષકોનું સન્માન અને ગુજરાત રાજ્યની એસ.ટી.બસોમાં નિઃશુલ્ક મુસાફરીના સ્માર્ટકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
હિતેશભાઈ દ્વારા શાળામાં વિજ્ઞાનક્ષેત્રમાં જેમકે વિજ્ઞાનમેળા, સાયન્સ કવિઝ, ઈનોવેશન ફેર, મોડેલ પ્રદર્શન વગેરેમાં રસપૂર્વક પોતે પણ અને વિદ્યાર્થીઓને પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયનેશનલ કક્ષા સુધી અનેક સિદ્ધિ હાંસલ કરાવેલ છે.


