યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં ભકિત સાથે દેશભકિતનો સંગમ
૧૨૬ લાડલી દિકરીઓના ભવ્ય સમુહલગ્ન સંપન્ન
દિકરીઓને કરિયાવર અને જીવનજરૂરી તમામ ઘરવખરી ભેટ સ્વરૂપે અર્પણ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રની ધરતી પર આજે સામાજિક સેવાની સાથે રાષ્ટ્રપ્રેમનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ડૉ. ભરત બોઘરા પ્રેરિત ‘યુનિટી ફાઉન્ડેશન-રાજકોટ’ દ્વારા આયોજિત સર્વજ્ઞાતીય ૧૨૬ લાડલી દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ આજે અત્યંત ભવ્ય, દિવ્ય અને ઝાઝરમાન પૂર્ણ સંપન્ન થયો હતો. આ પ્રસંગની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી ઘટના એ હતી કે, માંગલિક વિધિઓની શરૂઆત પૂર્વે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ (તિરંગો) ફરકાવવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
રાજકોટના પરસાણા ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સવારથી જ ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. લગ્નવિધિ શરૂ થાય તે પહેલાં ઉપસ્થિત મહાનુભાવો અને હજારો જનમેદનીની હાજરીમાં શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતના ગાન સાથે દીકરીઓના આ મંગલ અવસરને રાષ્ટ્રાર્પણની ભાવના સાથે જોડવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, “આપણા કોઈપણ શુભ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ. દીકરીઓના લગ્ન પ્રસંગે તિરંગો લહેરાવીને અમે નવી પેઢીને સંસ્કાર સાથે રાષ્ટ્રવાદનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.”
યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ૧૨૬ દીકરીઓના સમૂહ લગ્નમાં જ્ઞાતિ-જાતિના સીમાડા ઓળંગીને તમામ સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ આયોજને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક દીકરીને પિયરની ખોટ ન સાલે તે રીતે સંસ્થા દ્વારા ભવ્ય કરિયાવર અને જીવનજરૂરી તમામ ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક શ્રેષ્ઠીઓએ માતા-પિતા વિહોણી દીકરીઓને કન્યાદાન આપ્યું હતું.
આ ભવ્ય મંગલ મહોત્સવમાં સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ તેમજ સંતો-મહંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મહાનુભાવોએ આ કાર્યક્રમને માત્ર લગ્ન પ્રસંગ નહીં, પરંતુ એક ‘સામાજિક ક્રાંતિ’ ગણાવી હતી. ૧૨૬ જોડાઓએ જ્યારે એકસાથે અગ્નિની સાક્ષી ફેરા લીધા ત્યારે આખું મેદાન મંગલ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું.
તેમના ઘરે ખુશી લાવવાનો લક્ષ્યાંક
યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. ભરત બોઘરાએ ભાવુક હૃદયે જણાવ્યું કે, “આ ૧૨૬ દીકરીઓ આજે મારા આંગણેથી વિદાય લઈ રહી છે ત્યારે મને એક પિતા તરીકે ગર્વ થાય છે. રાષ્ટ્રધ્વજની છત્રછાયામાં આ દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી છે, જે તેમના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરી તેમના ઘરે ખુશીઓ લાવવી એ જ અમારા ફાઉન્ડેશનનું મુખ્ય લક્ષ્ય છે.”
હજારો લોકોએ ભોજન પ્રસાદ લીધો
આશરે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જાનૈયાઓ અને મહેમાનો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વયંસેવકોની શિસ્તબદ્ધ કામગીરીને કારણે આટલું વિશાળ આયોજન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું હતું. દીકરીઓની વિદાય વખતે સર્જાયેલા ભાવુક દ્રશ્યોએ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. આ સમૂહલગ્નોત્સવમાં પધારેલ તમામ મહાનુભાવો, સામાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો, દાતાશ્રીઓ, રાજકીય મહાનુભાવો તથા આ કાર્યક્મને સફળ બનાવવા ઉપસ્થિત રહેલ સર્વે સ્વયંસેવકોનો યુનિટી ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


