ઉતરાયણના પર્વ સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય : શહેરીજનોમાં ઉત્સાહ
આકાશમાં પતંગ, મેદાનમાં ક્રિકેટ : કાલે રાજકોટમાં ઉત્સવનો માહોલ
2020 પછી રાજકોટમાં ભારત એક દિવસીય મેચ જીત્યુ નથી; ન્યુઝીલેન્ડ નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમવાર રમશે
બન્ને ટીમોનું આગમન : રોહિત શર્મા – વિરાટ કોહલીનું જબરૂ આકર્ષણ; સૌરાષ્ટ્રભરમાં ફેન્સ ઉમટશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ઉતરાયણ પર્વની સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય જોવા મળશે. આકાશમાં રંગબેરંગી પતંગ ઉડશે અને મેદાનમાં બેટ-બોલ વચ્ચે લડાઇ થશે. કાલે શહેરમાં ઉત્સવનો બેવડો માહોલ જોવા મળશે. પતંગોત્સવ સાથે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ હોવાથી જબરો ક્રિકેટ ક્રેઝ છવાયો છે.
આવતીકાલે મકરસંક્રાંતિ, ઉત્તરાયણનું પર્વ આબાલ વૃધ્ધ અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. આવતીકાલે વહેલી સવારથી સૌ અગાસી કે ધાબે જઇને પતંગ ચગાવશે ત્યારે આકાશમાં જાણે પતંગ યુધ્ધ શરૂ થઇ જશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉમંગભેર ઉજવણી થશે. લોકો અગાશી પર જઇને પતંગ ઉડાડશે. બોર, જીંજરા, ઉંધીયુ, શેરડી, જલેબી આરોગીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરશે. ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે. પતંગ કપાતા લોકો ‘એ કાપ્યો છે, લપેટ લપેટ’ એવી બુમો પાડશે. અગાસીઓ અને ધાબા પર પરિવારના સભ્યો, મિત્રો, સ્નેહીઓથી ભરચક રહે છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મુકશે પતંગ રસિયાઓ દિવસભર પતંગ ચગાવવાનો પુરેપુરો આનંદ લૂંટે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક છોકરા પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જવાના બનાવો પણ બને છે અને ઇજા પામે છે. અગાશીમાં શેરડી, બોર, મગફળી પાક, જીંજરા વગેરેની જફાયત લોકો માણશે. આ દિવસે ઠેર ઠેર ઉંધીયું-જલેબીની ઉજવણી થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણીનો બીજો મેચ આવતીકાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવાનો છે. વડોદરામાં રમાયેલો પ્રથમ મેચ ભારતે જીતી લીધો હતો. આવતીકાલનો જંગ પણ ભારત જીતી જાય તો શ્રેણી કબ્જે થઇ શકે છે.
મહત્વની વાત એ છે કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત 2020 પછી એક પણ વન-ડે જીત્યું નથી. આ મેદાન પર રમાયેલા ચારમાંથી ત્રણ મેચમાં ભારતનો પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડ આ મેદાન પર પ્રથમ વખત રમનાર છે.
આવતીકાલના મેચ પૂર્વે ગઇકાલે બન્ને ટીમોના ખેલાડીઓ ખાસ વિમાનમાં રાજકોટ આવી પહોંચ્યા હતા. હોટલમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમનું ટોટલ સયાજી તથા ક્વીઝ ટીમનું હોટલ ફોર્ચ્યુનમાં રોકાણ છે. ટીમોના આગમન વખતે પ્રશંસકો એરપોર્ટ તથા હોટલો પર ઉમટ્યા હતા.
પૂર્વ કપ્તાન રોહિત શર્મા તથા વિરાટ કોહલીનું જબરૂ આકર્ષણ જોવા મળ્યું હતું. કાલના મેચમાં પણ બન્ને ખેલાડીઓનો અસલી બેટીંગ રંગ જોવા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ન્યુઝીલેન્ડની ટીમ આ મેદાન પર પ્રથમ વખત વન-ડે રમવાની છે. શિયાળાની સિઝનમાં અંધારુ વ્હેલું થઇ જાય છે ત્યારે ભારતીય ખેલાડીઓને ફ્લડ લાઇટમાં પ્રેક્ટીસ કરવાની તક મળશે. આવતીકાલનો જંગ પણ ડે-નાઇટ હોવાથી ભારતને મહત્વનો ફાયદો થઇ શકે છે.
હોટલથી સ્ટેડિયમ સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
આવતીકાલે પતંગ પર્વ પણ છે તેમ છતાં ક્રિકેટ પર્વનો અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટરસિયાઓ પતંગને બદલે ક્રિકેટને જ પસંદ કરે તે સ્પષ્ટ છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના વન-ડે જંગને ધ્યાને રાખીને હોટલથી સ્ટેડિયમ સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હોટલ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ તથા તેના રૂટ પર પણ ટ્રાફિક સહિતના સુરક્ષા જવાનોનો લોખંડી જાપ્તો રહેશે.
દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ સજ્જ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પતંગબાજીનો ભારે ઉત્સાહ જોવા મળે છે, પરંતુ તેની સાથે પતંગની ઘાતક દોરી જીવલેણ પણ સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના માઇનોર ઓપરેશન થિયેટરમાં નિષ્ણાત સ્ટાફ સતત ખડેપગે રહેશે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે આંગળીઓ કપાઈ જવી, ધાબા પરથી પડી જવું કે રસ્તા પર જતા બાઈક ચાલકોના ગળામાં દોરી ફસાઈ જવી જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દોરીથી ગંભીર રીતે કપાયેલા દર્દીઓ માટે અલગ વોર્ડ અને તાત્કાલિક સારવારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઘણીવાર દોરી શરીરમાં ઊંડી ઉતરી જવાને કારણે ઈમરજન્સી સર્જરીની જરૂર પડતી હોય છે, જેના માટે માઇનોર OTમાં ખાસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષોના અનુભવોને આધારે પર્વ દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓને વિના ખર્ચે અને ત્વરિત સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
બંને ટીમોએ નેટ પ્રેકટીસ કરી
નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેનડની ટીમે બપોરે દોઢ કલાકથી નેટમાં પરસેવો પાડયો હતો. ભારતની ટીમે સાંજે સાડા પાંચ વાગ્યાથી ફલડ લાઇટ હેઠળ નેટ પ્રેકટીસ કરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે
રાજકોટમાં ૧૪મીએ રમાનારી વન-ડે મેચમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે. ક્રિકેટ રસીકો માટે આ એક યાદગાર સંયોગ બની રહેશે. વન-ડે મુકાબલાને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌની નજર આવતીકાલના મહામુકાબલા પર ટકેલી છે.


