ભાવનગરના કુંભારવાડામાં એકટિવા આપવાની ના પાડતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
પાંચ શખ્સો હથિયાર લઇ તૂટી પડતા ઢીમ ઢાળી દીધુ : પોલીસમાં ફરિયાદ : પરિવારમાં માતમ છવાયો
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના કુંભારવાડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ શખસે યુવાન પર છરી અને ધારયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકને છાતી, પડખામાં છરી અને માથામાં ધારિયાનો ધા મારતા ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓ ધોક્કા લઈ તૂટી પડ્યાં હતાં. ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાતા યુવકે દમ તોડી દીધો હતો. આ મામલે બોરતળાવ પોલીસે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના દાદાના દીકરા (ભાઈ) મોઈનભાઈ રસુલભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગત 15 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા અને સાહિલ રસુલભાઈ શાહ સહિતના સાહીલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. નદીમ અને સલીમ પાસે છરી, જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હુમલામાં નદીમે સાહીલના છાતીના ભાગે છરીનો ઘા કર્યો હતો. સલીમે પડખામાં છરી ઘોંપી હતી અને સાહિલ શાહે માથાના ભાગે ધારિયાનો ઘા મારતા સાહીલ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીક સલીમભાઈ સોરઠીયા લાકડાના ધોકા લઈને આવી સાહીલ પર આડેધડ માર માર્યો હતો. આ ઉપરાંત સાહીલના ઘરની ઉપર પથ્થરમારો કરી એક્ટિવા અને ફરિયાદીની રિક્ષામાં તોડફોડ કરી હતી.
ગંભીર રીતે લોહીલુહાણ બનેલા સાહીલને પહેલા રિક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો.
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 103(1), 125(a), 125(b), 324(4), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


