ગુજરાતનું તા.૧૭ ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરાશે, તા.૧૬મીએ બજેટ સત્રની બેઠક
૨૫ માર્ચ સુધી ચાલશે સત્ર, ૨3 દિવસમાં ૨૬ બેઠક યોજાશે : નાણાકીય કામકાજ માટે ૧૮ બેઠક મળશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી તા.16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની બેઠક મળશે.આ બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કામકાજ સલાહકાર સમિતિને બેઠક બોલાવશે. તેમજ સત્ર પહેલા મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં અનેક નીતિવિષયક વિધેયકો પણ પસાર થશે. જ્યારે 17 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે.
આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે, જેના માટે માન. અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ ગ્રુપની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સત્રની શરૂઆત પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે, જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.
આ સત્રનું સૌથી મુખ્ય પાસું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અંદાજપત્ર (બજેટ) રહેશે. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નાણામંત્રી દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે અગાઉના વર્ષોના વધારાના ખર્ચના પત્રકો અને ચાલુ નાણાકીય વર્ષના પૂરક પત્રકો પણ ગૃહના પટલ પર મૂકવામાં આવશે. આ સત્ર તા. ૧૬/૦૨/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ સુધી ચાલશે, જેમાં કામકાજના કુલ ૨૩ દિવસ દરમિયાન ૨૬ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિધાનસભાના કામકાજની વહેંચણી મુજબ, નાણાકીય કામકાજ માટે સૌથી વધુ ૧૮ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ૪ બેઠકો, વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો તેમજ પૂરક માંગણીઓ માટે ૨ બેઠકો રાખવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો, સરકારી વિધેયકો માટે ૪ બેઠકો અને બિનસરકારી કામકાજ માટે ૬ બેઠકો અનામત રાખવામાં આવી છે.
અધ્યક્ષએ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નો માટે મંત્રીઓના પાંચ જૂથોની રચના કરી છે. ધારાસભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સત્ર દરમિયાન ડિજિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અને વધુ વિગતો ‘નેવા’ (NeVA) વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. સત્રની શરૂઆત પહેલા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જે સત્રના સુચારુ સંચાલન માટે અંતિમ ભલામણો રજૂ કરશે.


