પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યજી સાથે થયેલા વર્તન મુદ્દે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ
મૌની અમાવસ્યાના દિવસે સમૂહ સ્નાન રોકાતા વિવાદ : અપમાન અને સુરક્ષા મુદ્દે કોંગ્રેસ યુવા નેતા તુષિત પાણેરીના ગંભીર આક્ષેપો
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે જ્યોતિર્મઠના પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી સાથે થયેલા વર્તનને લઈને રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માઘ મેળામાં ગંગા ઘાટ પર સમૂહ સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્યજી તથા તેમના દંડ સંન્યાસી બ્રાહ્મણ શિષ્યો, સાધુ-સંતો અને મહંતોને સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. સમર્થકોનું કહેવું છે કે સદીઓથી હરિદ્વાર, વારાણસી અને પ્રયાગરાજ જેવા પવિત્ર તીર્થોમાં ચાર પીઠના શંકરાચાર્યોની સમૂહ સ્નાન પરંપરા અવિરત રહી છે, પરંતુ આ વખતે પ્રશાસન દ્વારા તેમાં અડચણ ઊભી કરવામાં આવી.
આક્ષેપ મુજબ, પ્રશાસને શંકરાચાર્યજીને પાલખીમાંથી ઉતરી પગપાળા ચાલવા માટે દબાણ કર્યું, જેને તેમની ધાર્મિક ગરિમા અને પરંપરાનો અપમાન ગણાવવામાં આવી રહ્યું છે. શંકરાચાર્યજી દ્વારા આ અપમાનજનક સ્થિતિ સ્વીકારવામાં ન આવતાં તેમના સાથે આવેલા શિષ્યો અને સાધુ-સંતો સાથે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. કેટલાક સમર્થકોનો દાવો છે કે પાલખીના છત્રને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેને તેઓ ધર્મની ગરિમા પર સીધો આઘાત ગણાવે છે. આ સમગ્ર ઘટનાને માત્ર વ્યક્તિ વિશેષ નહીં પરંતુ યુગોથી ઝળહળતી સનાતન સંસ્કૃતિની અસ્મિતા પર પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.
આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા પણ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા તુષિત પાણેરીએ કડક શબ્દોમાં કહ્યું કે શંકરાચાર્યજી દેશના હિન્દુઓને ધર્મની વાસ્તવિક સમજ અને દિશા આપી રહ્યા હોવાથી તેમને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાણેરીએ દાવો કર્યો કે શંકરાચાર્યજીએ પોતાની સુરક્ષા અંગે મીડિયા સમક્ષ ગંભીર આશંકા વ્યક્ત કરી છે અને તેમની સામે હત્યાનું કાવતરું ઘડાયું હોવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે એક સનાતની યજ્ઞોપવિત બ્રાહ્મણ તરીકે આ ઘટના અસહ્ય છે અને આ મામલે દેશભરના સનાતની હિન્દુઓએ ચિંતન કરવું જોઈએ.
આ સમગ્ર વિવાદ અંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિરનાથજી મહારાજ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં પાણેરીએ જણાવ્યું કે સંત સમિતિનું માનવું છે કે સરકાર દ્વારા સદીઓથી ચાલી આવતી ઐતિહાસિક ધાર્મિક પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. સંત સમિતિના મતે, અગાઉ મુઘલ શાસન હોય કે બ્રિટિશ કાળ, કોઈ શાસકે આવી રીતે સનાતન પરંપરાની આત્મા પર ઘા કર્યો નહોતો, જેવો આક્ષેપ હાલના ઘટનાક્રમ અંગે કરવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય સંત સમિતિ
સમર્થકોનું કહેવું છે કે હિન્દુ ધર્મમાં ચાર પીઠના શંકરાચાર્યોનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને તેમના સાથે આ પ્રકારનું વર્તન બહુસંખ્યક હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં ચલાવી લેવાય તેમ નથી. ઘટનાને લઈને વિવિધ ધાર્મિક સંગઠનોમાં પણ ચર્ચા તેજ બની છે અને કેટલાક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ, આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.


