ડેડલાઇન પૂરી થઇ ગઇ હોવા છતાં વિવાદો શમવાનું નામ લેતા નથી
ફોર્મ નં.૭નું કમઠાણ : રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
મતદારોના નામ કાઢી નાખવા અને યાદીમાં છેડછાડ કરવાનું ઇરાદાપૂર્વકનું કાવતરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ફોર્મ નં.૭નાં વિવાદ શમતો નથી. નામ કાઢી નાખવા અને યાદીમાં છેડછાડ થઇ રહ્યો છે. ફોર્મની સંખ્યા સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા —૨૦૨૬ સંદર્ભે તા. ૧૯-૧૨-૨૦૨૫ ના રોજ મુશદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક—દાવા માટે ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૧-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક તા. ૧૬-૦૧-૨૦૨૬ થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં. ૭ હજારોની સંખ્યામાં આવા લાગ્યા છે.
ફોર્મ—૭ અંગે કાનૂની સ્થિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ ની જોગવાઈઓ અનુસાર, ફોર્મ—૭ (નામ કાઢી નાખવા માટે વાંધો) ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે, અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને અધીન હોવી જોઈએ.
મળતી માહિતી મુજબ સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદી માંથી કમી કરવા માટે રજૂ થયા છે.
ફોર્મ—૭ વાંધાઓનું સંકલિત ફાયલિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરું હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય પક્ષ છે. હાલના સંજોગોમાં સત્તાધારી પક્ષ સામે સૌથી મોટો વિરોધ પક્ષ ગણાય રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય અને બદઇરાદાથી ભરાયેલ સાચા મતદારોના નામ કમી ન થઈ જાય અને લોકશાહી જીવંત રહે તે માટે આ માંગણી છે.
ફોર્મ નં. ૭ સબમિટ કરવાના સમયગાળાના છેલ્લા દિવસો એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના દિવસોમાં જેટલા પણ ફોર્મ નં. ૭ સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફિસોના CCTV ફૂટેજ અમોને આપવામાં આવે, તપાસવામાં આવે. સાથો સાથ જેતે ઓફિસના અધિકારીઓ કે જેમણે ફોર્મ નં. ૭ને જથ્થાબંધ રીતે સ્વીકાર્યા છે તેવા અધિકારીઓની ભૂમિકાને પણ તપાસવામાં આવે, અને આવા અધિકારીઓ કે સત્તાધારી પક્ષના માણસો કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન કરતા જણાય તો તેમની સામે ફોજદારી રહે પગલાં લેવાની પણ અમારી માંગણી છે.
ગેરકાયદે વાંધાઓ ફગાવવા માંગણી
વધુમાં, અમારી રજૂઆત છે કે ગુજરાતમાં જેટલા ફોર્મ નં. ૭ છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરવામાં આવ્યા છે તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોક પ્રતિનિધિત્વ ધારા—૧૯૫૦ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી છે.
કોર્ટ કાર્યવાહી કરવા ચીમકી
ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલાં લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને કોર્ટના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા અને હિતેશભાઇ વોરાએ જણાવ્યું છે.


