ત્રણ વર્ષથી કરાચીમાં વિઝાના વાંકે અટવાયેલી પરિણીતાની ભારત સરકારને આજીજી
બોર્ડરની બંધિશો વચ્ચે રાજકોટની પરિણીતા પાકિસ્તાનમાં જ ફસાઇ
વિઝા રીન્યુ નહીં થતા અને પહેલગામ હુમલા બાદ બન્ને દેશ વચ્ચે વણસેલા સબંધોથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો: ત્રણ વર્ષથી બાળકોને નહીં મળેલી માતાની વેદના, મને ભારત બોલાવી લો, બાળકો વગર નહીં રહી શકું
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરૂધ્ધ આકરા પગલા ભર્યા હતા જેની ઘણાંના જીવન પર અસર થઇ હતી. રાજકોટનો પરીવાર હાલ હેરાન થઇ રહયો છે. રાજકોટના યુવાનના પાકિસ્તાનની યુવતી સાથે નિકાહ થયા હતાં, હાલ યુવતી પાકિસ્તાનમાં છે અને પતિ સહિતનો પરિવાર ભારત રહેતો હોય ભારત આવવા માટે યુવતીએ સોશિયલ મિડીયામાં વિડીયો વાઇરલ કરી મદદ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાસે આજીજી કરી હતી.
રાજકોટમાં રહેતા અને ACના કામધંધા સાથે જોડાયેલા પરવેઝ શેખના લગ્ન 10 વર્ષ પહેલાં 2015માં રેહાના સાથે થયા હતા, જે મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી હતી. તેનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ આવ્યો અને રાજકોટમાં જ નિકાહ થયા. એ બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી તેના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી.
2022માં તેના વિઝા પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા તેને પાછા પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી, આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં પાકિસ્તાન ગઈ. એ સમયે તેની સાથે તેના પતિ અને બે નાનાં બાળકો પણ પાકિસ્તાન ગયાં હતાં.
પાકિસ્તાન પહોંચ્યા બાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા ફરી શરૂ કરાવી હતી. જે-તે સમયે તેનાં પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ અઢી મહિના સુધી રોકાયાં હતાં, જોકે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી. બીજી તરફ ભારતીય નાગરિક એવા રેહાનાના પતિ અને બે બાળકોના વિઝા પણ પૂરા થવા આવ્યા હતા, એટલે પતિ પરવેઝ શેખ તેનાં બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયાં હતાં, પણ કમનસીબે બે નાનાં ભૂલકાંની માતા રેહાનાના વિઝા રિન્યૂ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ રહી ગઈ હતી.
આ ઘટના બાદ ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખે રાજકોટ કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી હતી. રાજકોટની કલેક્ટર ઓફિસમાંથી એવો જવાબ મળ્યો કે “અમારાથી કંઈ નહીં થાય, તમે પાકિસ્તાન એમ્બેસી જાઓ.” આથી પરવેઝ શેખે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને કરાચીમાં ફસાયેલી પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યૂના જરૂરી ડોક્યુમેન્ટ આપી આજીજીઓ કરી હતી.
ભારત સરકાર દ્વારા શરૂ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ને લઈ એ સમયમાં બંને દેશની બોર્ડરો બંધ કરી દેવામાં આવી હતી, એેવું કારણ જણાવતાં દિલ્હી સ્થિત એમ્બેસીમાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. હાલ પાકિસ્તાનમાં રહેતી રેહાનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે, સાથે જ પતિ પરવેઝ શેખ અને તેનાં બાળકોએ પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને પણ રેહાનાને વિઝા મળે એ માટે આજીજી કરી છે.
ત્રણ વખત મેં એમ્બેસીમાં પેપરો મોકલ્યા, પણ કોઈ જવાબ આપતું નથી. દિલ્હી પણ રૂબરૂ જઈ આવ્યો અને રાજકોટમાં કમિશનર કચેરીએ પણ અનેક વખત ગયો. ઇસ્લામાબાદવાળા મોકલવા તૈયાર છે, પણ તેઓ કહે છે કે ભારત સરકાર અમને ડોક્યુમેન્ટ મોકલે એટલે અમે આગળ વધીએ. મારી ભારત સરકારને એટલી અપીલ છે કે જે કંઈ ડોક્યુમેન્ટ જોઈએ એ હું આપવા તૈયાર છું, પણ મારી પત્ની સાથે મિલન કરાવી આપો. મારી પાસે બધા જ પુરાવા છે, લગ્નના ફોટા, લગ્ન સર્ટિફિકેટ, મારા અને દીકરાના આધાર કાર્ડ. ગમે તેમ કરીને તેને ભારત મોકલી આપે.
‘ઓપરેશન સિંદૂર’થી બધું કડક થઈ ગયું છે પણ એમાં અમારા પરિવારનો શો વાંક? મારાં બાળકોનો શો વાંક? તેઓ તેની માતાની આતુરતાથી રોજ રાહ જુએ છે. રસ્તા ખૂલે તો હું ફરી કરાચી જવા પણ તૈયાર છું. હવે હું વકીલ અને કોર્ટનો સહારો લેવાની તૈયારીમાં છું. ગમે તેમ કરીને મારી પત્ની અને બાળકોની માતાને ભારત લાવવા મારી તમામ તૈયારી છે. આ મુદ્દે મારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો પણ હું જઈશ.’


