મોંઘવારી અને આર્થિક ભીંસના કારણે સંકટ સર્જાયું
સોની પરિવારના 3 સભ્યોએ સામુહિક ઝેરના પારખા કર્યા
ધંધામાં મંદી, લોનનો બોજ અને છ ચેક બાઉન્સ થતા પરિવારે હિંમત હારી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો : ત્રણેયને સારવાર અર્થે દાખલ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વધતી મોંઘવારી, ધંધાની મંદી અને લોનના ભાર વચ્ચે દબાયેલા નાના વેપારીઓની વેદનાનો એક કરુણ ચહેરો ફરી સામે આવ્યો છે. શહેરમાં આર્થિક ભીંસે કંટાળીને સોની પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વેપારી સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધંધામાં સતત મંદી, સમયસર લોનના હપ્તા ન ભરાઈ શકતા અને છ ચેક બાઉન્સ થવાથી સર્જાયેલા માનસિક દબાણે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારને અંતિમ પગલું ભરવા મજબૂર કરી દીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના સોરઠીયા વાડી સર્કલથી આગળ 80 ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા નિલેશભાઈ રતિલાલ સવદાસ (ઉંમર વર્ષ 55), તેમના પત્ની ચંદ્રિકાબેન નિલેશભાઈ સવદાસ (ઉંમર વર્ષ 50) અને પુત્ર માર્ગીન નિલેશભાઈ સવદાસ (ઉંમર વર્ષ 22) એ ગઈકાલે મોડીરાત્રે લગભગ એક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં સામુહિક રીતે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્રણેયની તબિયત અચાનક બગડતા પરિવારજનો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલ ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. ત્રણેયની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં પણ પોલીસ અને તંત્ર સતર્ક બની ગયું હતું.
આ ઘટનાની જાણ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તરત જ થોરાળા પોલીસ મથકને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોના નિવેદન લીધા છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ નિલેશભાઈ સવદાસ અગરબત્તી તેમજ સોની વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક સમય એવો હતો જ્યારે તેમનો ધંધો સારું ચાલતો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ સંતોષજનક હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં મંદી, વધતી મોંઘવારી અને ગ્રાહકોની ઘટને કારણે ધંધામાં સતત નુકસાન થવા લાગ્યું હતું. નાના વેપારીઓ માટે મૂડી ઊભી રાખવી મુશ્કેલ બની ગઈ છે અને નિલેશભાઈનો પરિવાર પણ આ જ પરિસ્થિતિનો ભોગ બન્યો હતો.
આર્થિક સ્થિતિ સુધરશે તેવી આશામાં પરિવારે છ વર્ષ પહેલા રૂ. 14 લાખની કિંમતનો એક ફ્લેટ લોન ઉપર લીધો હતો. તે સમયે રૂ. 4 લાખ રોકડા ભર્યા હતા અને બાકી રૂ. 10 લાખની લોન લેવામાં આવી હતી, જે દીકરીના નામે કરવામાં આવી હતી. દર મહિને રૂ. 7,500 નો હપ્તો નક્કી થયો હતો. શરૂઆતમાં ધંધો સારું ચાલતો હોવાથી હપ્તા નિયમિત ભરાતા હતા, પરંતુ ધંધામાં મંદી આવતા આવક ઘટી ગઈ અને સમયસર લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યું.
લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ થવા લાગ્યો અને લોન પેટે આપેલા છ ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થવાથી બેંક તરફથી નોટિસ, કાનૂની કાર્યવાહીનો ભય અને સમાજમાં બદનામીની ચિંતા સતત પરિવાર પર માનસિક દબાણ ઊભું કરી રહી હતી. એક તરફ ધંધામાં મંદી અને બીજી તરફ લોનનો બોજ. આ બેવડી મારથી પરિવારની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હતી.
પરિવારના નજીકના લોકો જણાવે છે કે નિલેશભાઈ છેલ્લા કેટલાક સમયથી અત્યંત ચિંતિત અને ઉદાસ રહેતા હતા. ઘરખર્ચ, લોનના હપ્તા, બાળકોનું ભવિષ્ય અને સમાજમાં ઈજ્જત, આ બાબતો તેમને સતત સતાવતી હતી. આર્થિક ભીંસે માનસિક તણાવ એટલો વધારી દીધો કે આખા પરિવારે એકસાથે જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નિલેશભાઈ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા. તેમના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો માર્ગીન કુંવારો છે અને હજુ પોતાની કારકિર્દી શરૂ કરવાની વયમાં છે. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર, જે પોતાના પરસેવે જીવન ચલાવતો હતો, તે આજે આર્થિક સંકટના કારણે જીવન અને મરણ વચ્ચે ઝૂલતી સ્થિતિમાં પહોંચી ગયો છે.
આ ઘટનાએ રાજકોટના વેપારી સમાજને હચમચાવી દીધો છે. ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. ઘણા વેપારીઓ કહે છે કે હાલની પરિસ્થિતિમાં ધંધો ચલાવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. લોન લઈને ધંધો ચલાવનારા વેપારીઓ માટે મંદી અને મોંઘવારી જીવલેણ સાબિત થઈ રહી છે. નિલેશભાઈના પરિવારની ઘટના એ આ કડવી હકીકતનું જીવંત ઉદાહરણ છે.
હાલ ત્રણેય સભ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. ડોક્ટરો દ્વારા બચાવના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ થોરાળા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા લોન, ચેક બાઉન્સ અને અન્ય આર્થિક કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ચેતવણી સમાન છે. વધતી મોંઘવારી, ધંધાની અનિશ્ચિતતા અને લોનના ભાર વચ્ચે દબાયેલા નાના વેપારીઓ માટે સમયસર સહાય, માર્ગદર્શન અને માનસિક આધાર જરૂરી બની ગયો છે. જો આવી પરિસ્થિતિઓમાં યોગ્ય મદદ ન મળે તો આવી હૃદયદ્રાવક ઘટનાઓ ફરી સામે આવવાની ભીતિ નકારી શકાતી નથી.


