વ્યજખોર ગેરેજ સંચાલકે યુવકને ગોંધી રાખી રિવોલ્વરના નાળચે ફ્લેટનું સાટાખત કરાવી લીધું
ત્રણ લાખના વ્યાજના નાણાંમાં ફસાયેલા યુવક સાથે મારામારી, ફ્લેટ, કાર અને ચેક પડાવી લઈ પઠાણી ઉઘરાણી ; તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વ્યાજખોરી અને ગુંડાગીરીના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સેટેલાઈટ ચોક વિસ્તારમાં રહેતા એક યુવક ગેરેજ સંચાલક સાથે થયેલી ગંભીર છેતરપિંડી, બળજબરી અને જાનથી મારી નાખવાની ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધંધાની જરૂરિયાત માટે લીધેલા ત્રણ લાખ રૂપિયાના વ્યાજના નાણાં યુવક માટે જીવલેણ સાબિત થવાના આરે પહોંચ્યા હતા. વ્યાજખોર ગેરેજ સંચાલક અને તેના સાગરીતોએ રિવોલ્વરના નાળચે યુવક પાસેથી કાર, ચેક, રોકડ રકમ ઉપરાંત તેના રહેણાંક ફ્લેટનું સાટાખત બળજબરીથી કરાવી લીધું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટના સેટેલાઈટ ચોક, આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ પ્રકાશભાઈ સિધપુરા (ઉ.વ. 28) વ્યવસાયે ગેરેજ સંચાલક છે. તેઓ પોતાના મિત્ર રાજ સહિત ભાગીદારીમાં બાપાસીતારામ ચોક નજીક “મીસ્ટર મેક ડ્રાઈવ” નામે ગેરેજ ચલાવે છે. ધર્મેશભાઈ પોતાની ટાટા કંપનીની ઝેસ્ટ કાર (નં. GJ-27-AH-1888) નિયમિત રીતે સ્પીડવેલ ચોક પાસે આવેલા આ ગેરેજમાં વોશિંગ અને રિપેરીંગ માટે લઈ જતા હતા. આ દરમિયાન ગેરેજ ચલાવતા પ્રશાંત તરાવિયા સાથે તેમની મિત્રતા થઈ હતી, જે સમય જતાં ગાઢ બની હતી.
બે-ત્રણ મહિના અગાઉ ધર્મેશભાઈને પોતાના ધંધા માટે નાણાંની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ બાબત તેમણે મિત્રતા આધારે પ્રશાંત તરાવિયાને કહી હતી. ત્યારે પ્રશાંત તરાવિયાએ પોતે વ્યાજે નાણાં આપતો હોવાનું કહી જામીનગીરી માંગેલી હતી. ધર્મેશભાઈએ પોતાની કાર અને ચેક જામીન તરીકે આપવાની તૈયારી દર્શાવતા થોડા દિવસ માટે ત્રણ લાખ રૂપિયાની મદદ માગી હતી.
ગત તા. 18-10-2025ના રોજ બપોરના સમયે પ્રશાંત તરાવિયાએ ફોન કરી નાણાંની વ્યવસ્થા થઈ હોવાનું કહી ગેરેજે બોલાવ્યા હતા. ત્યાં પ્રશાંત તરાવિયા સાથે યશ લીંબાસીયા અને કરણ પેથાણી હાજર હતા. પ્રશાંતે ત્રણ લાખના બદલે માત્ર રૂ. 2.40 લાખ રોકડા આપ્યા હતા. પૂછતાં તેણે જણાવ્યું હતું કે 5% વ્યાજના રૂ. 15,000 એડવાન્સ કાપી લીધા છે અને બાકી રકમ થોડા દિવસમાં આપી દેશે. વિશ્વાસ રાખીને ધર્મેશભાઈએ કાર અને બે ચેક જામીનગીરી તરીકે આપી દીધા હતા.
પરંતુ એક મહિનો પૂર્ણ થતાં જ પ્રશાંત તરાવિયાએ ફોન કરીને વ્યાજની રકમ માંગવા માંડી. શરૂઆતમાં 5% વ્યાજની વાત હતી, પરંતુ બાદમાં તેણે 20% વ્યાજના નામે રૂ. 60,000 કાપ્યા હોવાનું જણાવ્યું અને દબાણ શરૂ કર્યું. ધર્મેશભાઈએ આટલું વધુ વ્યાજ ચૂકવવાની અસમર્થતા દર્શાવતા પ્રશાંત ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકીભર્યા ફોન શરૂ કરી દીધા હતા.
વ્યાજખોરના દબાણથી કંટાળી ધર્મેશભાઈએ તા. 29-11-2025ના રોજ પ્રશાંતના ખાતામાં ગુગલ પે દ્વારા રૂ. 1,00,000 ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં પણ વ્યાજખોર ટોળકી સંતોષી નહોતી. તેઓ સતત મુદ્દલ અને વ્યાજ સહિતની રકમ તાત્કાલિક ચુકવવા માટે ધમકીઓ આપતા રહ્યા. તા. 06-12-2025ના રોજ સવારે લગભગ 10 વાગ્યે ધર્મેશભાઈ પોતાની પત્નીને શાપરથી લેવા જવા માટે ઘરની પાર્કિંગમાં આવ્યા ત્યારે યશ લીંબાસીયા અને કરણ પેથાણી ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રશાંતના પિતા ગેરેજે બોલાવે છે એમ કહી જબરદસ્તી ગેરેજે લઈ ગયા. ત્યાં પ્રશાંત તરાવિયા અને તેના પિતા શૈલેષભાઈ હાજર હતા. ઓફિસમાં થયેલી ચર્ચા દરમિયાન ધર્મેશભાઈએ હાલ પૈસાની વ્યવસ્થા ન હોવાનું અને બે-ત્રણ મહિના સમય માંગ્યો હતો. ત્યારે પ્રશાંત અને તેના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે સમય મળશે નહીં, અત્યારે જ પૈસા આપો અથવા ફ્લેટનું સાટાખત કરી આપો. ઇનકાર કરતાં જ યશ લીંબાસીયા અને કરણ પેથાણીએ ધર્મેશભાઈ પર ઢીકા-પાટુનો માર માર્યો હતો. બાદમાં બળજબરીથી તેમને બાઈક પર બેસાડી મવડી ચોકડી ખાતે વકીલની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ધર્મેશભાઈના નાગેશ્વર સુમુતિ સાનિધ્ય-2માં આવેલા ફ્લેટનું સાટાખત ધાકધમકી આપી કરાવી લેવામાં આવ્યું હતું. બપોરે ફરી તેમને ગેરેજે લાવવામાં આવ્યા છતાં પણ યાતનાઓ બંધ થઈ નહોતી.
થોડા સમય બાદ સાહીલ ગાજીપરા, પ્રભાત આહીર અને બે અજાણ્યા શખ્સો બ્લેક વરના કારમાં આવ્યા હતા. તેમણે પણ ધર્મેશભાઈને માર માર્યો હતો. ત્યારબાદ યશ ખૂંટ નામનો શખ્સ કાર લઈને આવ્યો અને તેણે ખુલ્લેઆમ કહ્યું કે હવે રૂપિયા તેને આપવાના છે. ફરી એકવાર ધર્મેશભાઈને ઢીકા-પાટુ મારવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ ત્યાં જ અટકી નહોતી. યશ ખૂંટે કારમાંથી રિવોલ્વર જેવી બંદૂક કાઢી ધર્મેશભાઈના માથે રાખી “આટલી જ વાર લાગશે” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફ્લેટનું સાટાખત થઈ ગયાનું કહેતા પણ આરોપીઓ ગાળાગાળી અને ધમકી આપતા રહ્યા. આખરે રાત્રીના લગભગ 9:30 વાગ્યે તેમને છોડવામાં આવ્યા હતા.
બાદમાં સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ભોગ બનનાર યુવક સમાધાન કરવા તૈયાર ન થતાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પ્રશાંત તરાવિયા, તેના પિતા શૈલેષભાઈ, યશ લીંબાસીયા, કરણ પેથાણી, સાહીલ ગાજીપરા, પ્રભાત આહીર, યશ ખૂંટ અને બે અજાણ્યા શખ્સો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોરી, બળજબરી, મારામારી, ધમકી, અપહરણ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી લીધો છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે ફરી એકવાર શહેરમાં વ્યાજખોરોની ગુંડાગીરી અને કાયદાના ભય વિના થતી હેરાનગતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


