કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
સુરતનો યુવાન છેલ્લા ૨૪ કલાકથી લાપતા : પરિવાર ચિંતાતુર બન્યો
અગ્ર ગુજરાત, સુરત
કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં રવિવારની સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 12 ભારતીય સહિત કૂલ 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદથી કંપનીમાં નોકરી કરતો સુરતનો એક યુવક છેલ્લા 24 કલાકથી મિસિંગ છે. જેના કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કતારના ઉર્જા મંત્રાલય અને સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ટેકનિકલ અકસ્માત હતો, જે તે સમયે થયો જ્યારે ઈરાની મિસાઈલ હુમલાથી પ્રભાવિત ગેસ ફેસિલિટીમાં મેન્ટેનન્સ બાદ કામ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું હતું.
સુરતનો વતની અને કતારની સ્ટેક (Steq) કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો યુવાન સની ચંપકભાઈ પટેલ છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી લાપતા છે. બ્લાસ્ટ સમયે સની પ્લાન્ટમાં જ નાઇટ ડ્યુટી પર તૈનાત હતો. દુર્ઘટના બાદથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. સનીની કોઈ ભાળ ન મળતા સુરતમાં રહેતા તેના પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા છે અને ઘરમાં રડારોળ મચી ગઈ છે.
સની પટેલનો એક બંધાયેલો નિયમ હતો કે તે રોજ પોતાની નોકરી પર જતા પહેલા અને નોકરી પરથી પરત આવ્યા બાદ સુરત ખાતે રહેતી તેની પત્નીને અચૂક ફોન કરીને વાત કરતો હતો. દુર્ઘટના બની તે દિવસે પણ સનીએ હંમેશની જેમ તેની પત્નીને ફોન કર્યો હતો અને ‘હું નોકરી પર નીકળું છું’ તેમ કહીને પ્લાન્ટ પર જવા રવાના થયો હતો. પરંતુ ત્યાર બાદથી તેનો કોઈ ફોન આવ્યો નથી કે તેનો ફોન લાગતો પણ નથી. આ તરફ કતારમાં બ્લાસ્ટના સમાચાર ટીવી અને સોશિયલ મીડિયામાં વહેતા થતાં જ પત્ની અને પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
સની પટેલનો મોટો ભાઈ રવિ પટેલ પણ છેલ્લા ઘણા વર્ષોથી કતારની જ એક અન્ય કંપનીમાં નોકરી કરે છે, જ્યારે સની માત્ર 6 થી 8 મહિના પહેલા જ કતાર કમાવવા માટે ગયો હતો. પ્લાન્ટમાં બ્લાસ્ટની જાણ થતાં જ રવિ પોતાના નાના ભાઈ સનીને શોધવા માટે દોડી ગયો હતો. રવિએ કતાર સ્થિત ભારતીય એમ્બેસી, સ્થાનિક હોસ્પિટલો અને ઘટનાસ્થળ એટલે કે બરઝાન પ્લાન્ટની આસપાસ સતત ચક્કર લગાવ્યા છે. જોકે, સુરક્ષાના કારણોસર પ્લાન્ટ બાજુ તેમને એન્ટ્રી આપવામાં આવી રહી નથી, જેના કારણે સની સારો-નરસો કઈ હાલતમાં છે તેની કોઈ સત્તાવાર વિગત રવિને પણ મળી શકી નથી.


