૫૨ ટકા કામ પૂર્ણ, બાકીની કામગીરી ૧ વર્ષમાં પુરી થવાની શકયતા દેખાતી નથી
રાજકોટ-જેતપુર સિકસલેનની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની વાતો વચ્ચે ત્રણ વર્ષે પણ અધુરૂ
૮ બ્રિજનું કામ પૂર્ણ, પ બ્રિજ ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લા મૂકવામાં આવશે : ૨૪ બ્રિજનું કામ હજુ ચાલુ
પ્રોજેકટમાં વિલંબ માટે રાજકોટ મહાનગરપાલિકાની ભાદર યોજનાની પાણીની પાઇપલાઇન જવાબદાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યો છે, કારણ કે આ હાઈવેનું કામ કાચબાથી પણ ધીમી ગતિએ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. આ માટે કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ અને પેનલ્ટી આપવા છતાં પણ આજે ગોકળગતિએ કામ થઇ રહ્યું છે. કામગીરી જાન્યુઆરી ૨૦૨૭માં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને હજૂ મુશ્કેલી વેઠવી પડશે.
1,204 કરોડના ખર્ચે 67 કિલોમીટરના આ હાઈવેનું કામ ઓગસ્ટ 2022થી શરૂ થયું જે જૂન 2024 સુધી પૂર્ણ કરવાનું હતું. જો કે આ પછી એક નવી તારીખ આપી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થશેનો દાવો કરવામાં આવ્યો હતો જે પણ પૂર્ણ ન થતા આજે હવે જાન્યુઆરી 2027 સુધી આ કામ પૂર્ણ કરવા દાવો કરાઈ રહ્યો છે, પરંતુ આ પણ કદાચ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.
3 વર્ષના અંતે આ પ્રોજેક્ટનું કામ માત્ર 52% જ પૂર્ણ થયું છે જ્યારે બાકીનું 48% કામ એક વર્ષમાં પૂર્ણ થઇ શકે તેવી કોઈ શક્યતા જોવામાં આવી રહી નથી. આ હાઇવે પરથી દરરોજ પસાર થતા 2.50 લાખ વાહનચાલકોને હજુ પણ આ જ રીતે હાલાકીનો સામનો જરૂર કરવો પડશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેના નવા પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલા ખાને જણાવ્યું હતું કે, આ સિક્સલેનનું કામ 31 ડિસેમ્બર 2025 સુધીમાં 52% પૂર્ણ થયું છે. જેમાં 8 બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે જયારે 5 બ્રિજ ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લા મુકવામાં આવશે અને 24 બ્રિજનું કામ હજુ પણ ચાલુ છે.
સંપૂર્ણ 67 કિલોમીટરનો રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે આગામી એક વર્ષ એટલે કે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત તાજેતરમાં જ પીપળીયાના 2 અને પીઠડીયાનો એક બ્રિજ ખુલ્લો મુકવામાં આવેલો છે. આગામી સમયમાં જે બ્રિજ ખુલ્લા મુકાશે તેમાં 31 જાન્યુઆરી 2026 સુધીમાં ભોજપરાના 2 અને બિલયાળાનો 1 બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2026માં ગોંડલ બાયપાસના 4 તેમજ ભરુડીનો 1 બ્રિજ વાહન ચાલકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
સિકસેલન હાઇવે પ્રોજેક્ટમાં વિલંબ માટે રાજકોટ મહાનગર પાલિકાની ભાદર યોજનાની પાણીની પાઈપલાઈન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાની ઢીલી નીતિને કારણે ભાદર યોજનાની પાણીની લાઈન શિફટિંગ ન થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ નીચે આ લાઈનો આવી ગઈ છે. મુખ્યમંત્રી દ્વારા પણ સરકારી વિભાગો સંકલનમાં કામ કરી નવા પ્રોજેક્ટ સમયસર અને સરળતાથી પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે ત્યારે હવે આ કામગીરી સંકલનથી ઝડપભેર પૂર્ણ થાય તેવી આશા લોકો સેવી રહ્યા છે.
હાલમાં આજી અને ખોખડદળના 4 કિલોમીટરના બ્રિજનું કામ અટકેલું છે અને તેનું કારણ એ છે કે એક તરફ રાજકોટ મહાનગરપાલિકા અને બીજી તરફ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાઇપલાઇન આવેલી છે. જે પાઇપલાઇનનું શિફ્ટિંગ ન થાય ત્યાં સુધી સિક્સલેન ન બની શકે. કોર્પોરેશન દ્વારા તેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેનું કામ પૂર્ણ થતા એક વર્ષ જેટલો સમય લાગે તેમ છે.
એક કિમીનું કામ બાકી રહેશે ત્યાં સુધી ટોલટેકસમાં રાહત ચાલુ રખાશે
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરેક નેશનલ હાઇવે ઉપર ટોલટેક્સમાં વધારો થતો હોય છે, પરંતુ હાલમાં સિક્સલેન કામગીરીને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હોઇવે ઉપર વાહનચાલકોને 25% રાહત આપી 75% ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જેમાં નવા સિક્સલેન કામગીરીમાં છેલ્લે એક કિલોમીટરનું કામ પણ બાકી રહેશે તો ત્યાં સુધી ટોલટેકસમાં રાહત ચાલુ રાખવામાં આવશે.
દર એક કિલોમીટરે કેમેરા, દર 10 કિલોમીટરે સ્પીડ ચેક કરવાના ડિવાઈસ
રાજકોટ-જેતપુર હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, જેતપુર સહિતના શહેરો સુધી પહોંચવાની વર્તમાન સુવિધા સામે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એક્સપ્રેસ વે જેવી સુવિધા મળશે. રાજકોટથી જેતપુર સુધીના રોડ ઉપર 67 કિલોમીટરમાં સળંગ સેન્ટ્રલી લાઇટિંગ હશે. સાથે જ દર એક કિલોમીટરે એક-એક કેમેરા, દર 10 કિલોમીટરે સ્પીડ ચેક કરવાના ડિવાઈસ, બે ટ્રક લે બાય, લોકોને આરામ માટેની સુવિધા, 18 સ્થળોએ બસસ્ટેશન બનાવવામાં આવશે.


