રાજકોટ-અમદાવાદ હાઈવે પર મધરાતે ચાલુ બસમાં પરિણીતા પાસે અભદ્ર માંગણી
છેડતીનો વિરોધ કરનાર પરિણિતાને બસમાંથી ધક્કો મારી ફેંકી દીધી, લીંબડી નજીક હાઇવે પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ–અમદાવાદ હાઇવે પર મધરાતે એક દિલ દહલાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ સ્લીપર કોચ ટ્રાવેલ્સમાં એક પરિણિતાની છેડતી કર્યા બાદ તેણી વિરોધ કરે ત્યારે બસના ક્લિનર સહિત ત્રણ યુવકોએ મળીને તેને ધક્કો મારી બસમાંથી બહાર ફેંકી દીધી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને લીંબડી નજીક હાઇવે રોડની સાઈડમાં મળી આવતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.
આ ઘટનામાં ઘાયલ થયેલી 30 વર્ષીય પરિણિતા મૂળ ઉત્તરપ્રદેશની વતની છે અને હાલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોતાના પતિ અને નાનકડા પુત્ર સાથે રહે છે. મહિલાના પતિ છત ભરાઈની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાની નણંદ સુરતમાં રહે છે અને નણંદની દીકરીનો જન્મદિવસ હોવાથી તે બર્થડે ઉજવવા સુરત જવા નીકળી હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ મહિલાએ રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી સુરત જતી એક સ્લીપર કોચ ટ્રાવેલ્સ બસમાં સીટ લીધી હતી. બસમાં બેસાડવા માટે તેના પતિ પણ સાથે આવ્યા હતા. શરૂઆતમાં મુસાફરી સામાન્ય રહી, પરંતુ બસ ચોટીલા પાસેથી પસાર થઈ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ.
મહિલાના નિવેદન અનુસાર, બસમાં એક 18-19 વર્ષનો યુવાન આવીને તેની બાજુની સોફા સીટ પર બેસી ગયો અને અચાનક તેનો હાથ પકડી લીધો. આથી ગભરાઈ ગયેલી મહિલાએ તરત વિરોધ કર્યો અને બસના ક્લિનરને ફરિયાદ કરી. ક્લિનરે યુવકને ત્યાંથી હટાવી દીધો, પરંતુ મહિલાનો ડર ઓછો થયો નહોતો. તેણીએ ક્લિનરને વિનંતી કરી કે મને આગળના સ્ટેશન પર ઉતારી દો, પરંતુ ક્લિનરે તેને ઉતરવા દીધું નહોતું.
થોડા સમય બાદ ફરી એક 30-35 વર્ષનો યુવાન આવીને મહિલાની બાજુમાં બેસી ગયો. તેણે એસી બંધ કરવાની માંગ કરી, જેને મહિલાએ ઇનકાર કર્યો અને તેને બીજી જગ્યાએ બેસવા કહ્યું. આ પછી યુવક મહિલાને હેરાન કરવા લાગ્યો. આ દરમિયાન ક્લિનર ફરી આવ્યો અને મહિલાને બસની કેબિનમાં લઈ ગયો.
અહીં પરિસ્થિતિ વધુ ગંભીર બની. ક્લિનરે મહિલાને બસમાંથી ઉતરી જવાની વાત કરી. મહિલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યારે મેં પહેલા ઉતરવાની માંગ કરી ત્યારે તમે મને ઉતરવા ન દીધી અને હવે મધરાતે લગભગ 12.30 વાગ્યે અડધા રસ્તે ઉતરવું મારા માટે સુરક્ષિત નથી.” આ મુદ્દે બોલાચાલી વધી ગઈ અને મહિલાના જણાવ્યા મુજબ, ક્લિનરે ગુસ્સામાં આવીને તેને ચાલુ બસમાંથી ધક્કો મારી નીચે ફેંકી દીધી.
બસમાંથી ફેંકાતા મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ શું થયું તેની તેને કોઈ યાદ નથી. થોડા સમય બાદ સ્થાનિક લોકોએ લીંબડી નજીક હાઇવે રોડની સાઈડમાં મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ તાત્કાલિક મદદ બોલાવી હતી. પહેલા તેને લીંબડીની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ છે અને સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા તેના પતિ પણ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મહિલાનું નિવેદન લેવામાં આવતા તેણે બસના ક્લિનર સહિત ત્રણ યુવકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
આ બનાવની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસે સંબંધિત ટ્રાવેલ્સ, બસના ડ્રાઇવર અને ક્લિનરની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. સીસીટીવી, ટોલનાકા અને રૂટ વિગતોના આધારે બસની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ સૂત્રો મુજબ, આક્ષેપોની સચ્ચાઈ તપાસી દોષિતોને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ઘટના માત્ર એક મહિલાની સાથે થયેલી હિંસા નથી, પરંતુ રાત્રી દરમિયાન જાહેર પરિવહનમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ પર સૌની નજર મંડાઈ છે.


