એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ બાદ પાંચ ઈન્ટર્ન ડોક્ટર પોલીસ કસ્ટડીમાં ; સ્ત્રી મિત્રના નામનો ઉલ્લેખ પરંતુ તેનો બચાવ કરતો ઉલ્લેખ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની એઇમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલના આપઘાત પ્રકરણમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. રતન મેઘવાલે રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં પાંચ ઇન્ટર્ન ડોક્ટર્સની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટના આદેશ અનુસાર તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક રતન મેઘવાલે લખેલી સ્યૂસાઇડ નોટમાં પાંચ વિદ્યાર્થી તેમજ એક મહિલા મિત્ર તરફથી મળતા કથિત માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ નોટને મહત્વના પુરાવા તરીકે ધ્યાને લઈને તપાસ આગળ ધપાવી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે જાણવા માટે પોલીસ હજુ પણ વિવિધ પાસાઓ પર સઘન તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રતન મેઘવાલ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો હતો. 28 જાન્યુઆરીના રોજ તેણે પારાપીપળીયા ફાટક નજીક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે ગ્રામજનોએ સમયસર પહોંચી તેને બચાવી લીધો હતો. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ પણ કરાયું હતું. આ ઘટનાના બાદ તે પોતાનાં વતન રાજસ્થાન ચાલી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રતન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હવે મળી આવેલી સ્યૂસાઇડ નોટના આધારે પોલીસ વધુ ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે. એઇમ્સ જેવા પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાન સાથે જોડાયેલા આ બનાવે તબીબી વર્તુળોમાં પણ ભારે ચકચાર જગાવી છે. સમગ્ર મામલે હવે પોલીસની આગલી તપાસ અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.


