શિયાળાની સિઝન બાદ ગરમીની મોસમમાં આકાશી આફત આવી
ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
બગસરા, વડીયામાં કરા સાથે વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા : કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં દોડધામ
અમદાવાદ, હિંમતનગર, પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકો મૂશ્કેલીમાં મૂકાયા
૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી, વૃક્ષની ડાળીઓ તૂટી, વિસનગરમાં શેડ ધરાશાઇ, હોર્ડિંગ ઉડયા
પાટણના સાંતલપુરમાં પાણી વરસતા અગરીયાઓને નુકશાન, ઘરવખરી પણ બગડી
અગ્ર ગુજરાત, રાજકોટ
હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના બગસરા અને વડીયા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કરા સાથે વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતાં. કમોસમી વરસાદને કારણે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી છે, જેના કારણે ધૂળિયો વાતાવરણ થઈ ગયું હતું અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી.
બીજી તરફ હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વિસનગરમાં અનેક દુકાનોના શેડ ધરાશાયી થયા છે અને હોડિંગ પણ ઉડ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ અને ઓગડ સહિતના પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ તાપમાનની અંદર આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીથી લોકોને રાહત મળશે.
19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે મોડીરાત્રે અચાનક પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે અગરિયાઓના રેવાનાં છાપરા ઉડી ગયા હતા, જ્યારે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકો અને અગરિયાઓએ જણાવ્યું હતું કે, કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં અગરિયાઓને સહાય અને વળતર આપવું અત્યંત જરૂરી છે, કારણ કે મીઠા ઉત્પાદન સાથે જોડાયેલા પરિવારોનું જીવનનિર્વાહ આ વ્યવસાય પર આધારિત છે.
રવિ પાકમાં નુકશાનની ભીતિ
ખેડૂતોએ શિયાળુ તૈયાર કરેલ રવિ પાક જેમાં ઘઉં, ચણા, જીરૂ, તુવેર દાળ સહિત રવિ પાકને ભારે નુકસાનની ભિતિ સેવાઇ રહી છે. વડીયા શહેર સહિત આસપાસના દેવળી, મોરવાડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બીજી બગસરા પંથકના શાપર, સુડાવડ તેમજ આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતના પાકને નુકસાનની ભિતિના કારણે આગામી દિવસોમાં આ સ્થિતિ કેવી રહેશે તેના પર અત્યારે સૌકોઇની નજર છે.
સૌરાષ્ટ્ર સહિતના અમુક વિસ્તારોમાં યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં યેલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. હળવો વરસાદ (5 મીમી/કલાકથી ઓછો) વરસી શકે છે.


