રાજય સરકાર દ્વારા યોજનાના મેનુમાં કરાયો ફેરફારક
મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
સુખડી બંધ કરવાનો નિર્ણય, હવે શ્રી અન્ન (મિલેટ) બાળકોને પીરસાશે : વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામીન અને મિનરલ્સથી ભરપૂર આહાર અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
નાનપણથી જ બાળકોનો શારીરિક, બૌધિક સહિતનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજયમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકોને પૌષ્ટિક આહાર પિરસવામાં આવે છે. જેમાં હાલ સરકારે ફેરફાર કરી નવુ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં હવે સપ્તાહમાં બે વાર વેજીટેબલ પૌવા અપાશે જયારે સુખડી ગાયબ કરવામાં આવી છે અને તેને શ્રી અન્ન નામ આપવામાં આવ્યું છે.
ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે. આ નિર્ણય ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડશે. આ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે અને દેશી અનાજોને પ્રોત્સાહન મળશે. સરકારના આ નિર્ણયને આરોગ્ય અને પોષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના બાળકોને માત્ર પેટ ભરવાનું નહીં, પરંતુ પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક પણ મળશે.
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.
યોજના પાછળના હેતુ
- આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક વિદ્યાર્થીઓને ખોરાક પૂરો પાડવાનો હેતુ છે.
- બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
- સમાજના ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
- શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
- આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.
બોકસ…
નવુ મેનુ
સોમવાર : મગ ચાટ (મગ, ટમેટા, ડુંગળી)
મંગળવાર : વેજીટેબલ પૌવા
બુધવાર : મિકસ કઠોળ
ગુરૂવાર : શ્રી અન્ન (મિલેટ) સુખડી
શુક્રવાર : વેજીટેબલ ઉપમા
શનીવાર : વેજીટેબલ પૌવા


