ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
આકરી ગરમી વચ્ચે પડેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો
અગ્ર ગુજરાત, કચ્છ
કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. સવારથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અકળામણ બાદ બપોર પછી આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખાસ કરીને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.બપોરની ગરમી બાદ અચાનક પલટોકચ્છમાં માર્ચ મહિનાના અંતમાં સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતનો આકરો તાપ અનુભવાતો હોય છે.
શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભુજ તાલુકાના માધાપર અને ભુજોડી જેવા મોટા ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કરા પડવાને કારણે નાના બાળકોમાં કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો, તો વાહનચાલકોએ થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું.
એશિયાના સૌથી ધનિક ગણાતા માધાપર ગામમાં પણ વરસાદી ઝાપટાએ હાજરી નોંધાવી હતી. માધાપર અને ઐતિહાસિક ભુજોડી ગામમાં વરસાદ પડતા વાતાવરણમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. એક તરફ ગરમીથી રાહત મળી છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે, તો બીજી તરફ અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો પણ ઘેરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી.
વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે બાગાયતી પાકો અને રવિ પાકની લણણી કરી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છમાં આ સમયે કેસર કેરીના આંબા પર મોર આવવાની પ્રક્રિયા ચાલતી હોય છે, તેવામાં કરા સાથેનો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત જીરું અને અન્ય તૈયાર પાકોને પણ આ માવઠાથી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.


