ભારે પવન સાથે કાચા મકાનનાં છાપરા ઉડશે
પવનની ગતિને કારણે બાગાયતી પાકોને નુકશાન થવાની આશંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી 20 દિવસ ભારે પવનની ગતિ રહેશે અને 28 તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના ઉત્તરીય ભાગમાં અસર થવાની શક્યતા છે.
ઉ.ગુજરાતના સરહદના ભાગોમાં પવન ફૂંકાશે અને આગામી 20 દિવસ ખેડૂતોને મુશ્કેલીની શક્યતા રહેલી છે, ગુજરાતમાં 50થી 60ની ઝડપે પવન ફૂંકાશે અને આંબાના પાકને ભારે અસર થવાની શક્યતા છે. આજે 28 થી 3 એપ્રિલ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, 8 થી 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે. તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે ‘મોર’ (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
માવઠાની આગાહી વચ્ચે રાજયમાં ગરમીનો પારો ઉચકાયો
3૮.૯ ડિગ્રી સાથે રાજકોટ રાજયનું સૌથી વધુ ગરમ શહેર
રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરાઇ છે ત્યારે ગઇકાલે ફરી આકરો તાપ સુર્યદેવતાએ વરસાવ્યો હતો. ગઇકાલે 38.9 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહેવા પામ્યું હતું જયારે અમરેલીમાં 38.5, અમદાવાદમાં 37.6, વડોદરામાં 38, ભાવનગરમાં 37.2, ડાંગમાં 36.2, ડિસામાં 37.6, ગાંધીનગરમાં 37 તેમજ સુરતમાં 37.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
આ ઉપરાંત આજે સવારે પણ દમણ, ભુજ, દિવ, દ્વારકા, કંડલા, નલિયા, ઓખા, પોરબંદર, સુરત, વેરાવળ અને રાજકોટમાં 75 થી 85 ટકા સુધી હવામાં ભેજ રહેતા સવારે શીતળ પવનનો અહેસાસ થયો હતો.
જોકે મોડી સવારથી ફરી સુર્યદેવતાએ તેનો મિજાજ દર્શાવવાનું ચાલુ કરી દીધુ હતું. તેમજ જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનમાં પારો 35.5 ડિગ્રી પહોંચી છે.જ્યારે લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહ્યું છે.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 10 કિમિ નોંધાઇ છે.


