ભાજપ નેતાનો પુત્ર ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં દારૂની હેરફેર કરતા ઝડપાયો
ખેડા તાલુકા પંચાયતના સભ્યના પુત્રને ૨૧૬૦ બોટલ સાથે ઝડપ્યો : SMCનો સપાટો : સ્થાનિક રાજકારણમાં ગરમાવો
અગ્ર ગુજરાત, ખેડા
ખેડા જિલ્લામાંથી ભાજપના નેતાઓ અને દારૂના કનેક્શનનો વધુ એક મોટો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે કપડવંજમાં દરોડો પાડીને ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પુત્રને વિદેશી દારૂની મોટી ખેપ મારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય બાદ હવે વધુ એક સ્થાનિક નેતાનો પુત્ર જ બુટલેગર નીકળતા જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
SMC ની ટીમે કપડવંજ-કઠલાલ રોડ પર મહોર નદીના બ્રિજ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક સફેદ કલરની હ્યુન્ડાઇ ક્રેટા કારને આંતરીને તપાસ કરાતા, તેમાંથી વઘાસ બેઠકના ભાજપ સદસ્ય મફતભાઈ ઝાલાનો પુત્ર લિંકન ઝાલા અને તેનો સાગરીત જીગ્નેશ ઝાલા ઝડપાયો હતો. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 2,160 બોટલો મળી આવી હતી. નેતાના પુત્રએ પોલીસને થાપ આપવા કાર પર ખોટી નંબર પ્લેટ (GJ-01-KW-2308) લગાવી હતી, પરંતુ તપાસમાં ઓરિજિનલ નંબર GJ-02-CG-5012 હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 5.95 લાખની કિંમતનો વિદેશી દારૂ, રૂપિયા 5 લાખની કિંમતની ક્રેટા કાર, 5 નંગ મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂ રાજસ્થાનથી લાવીને અહીં ટ્રાન્સફર કરાયો હતો. આ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં નેતાના પુત્ર લિંકન ઝાલા સહિત દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


