ધોરાજીમાં પૈસાની લેતીદેતીમાં, ઘોઘાના વાળુકડમાં અજાણ્યા શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળ્યું : લીંબડી પ્રસંગમાં આવેલા અમદાવાદના યુવાનની અને હિંમતનગરના આગીયોલમાં વૃધ્ધનું જૂની અદાવતમાં મર્ડર
અગ્ર ગુજરાત, રાજકોટ
રવિવારના દિવસો ગુજરાતમાં ગોજારો સાબિત થયો હતો. સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત રાજયમાં ચાર હત્યાના બનાવો નોંધાયા હતાં. નજીવી બાબતે ચાર લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
ધોરાજીના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ (ઉર્ફે કુંદનભાઈ) બારૈયાએ જેતપુર રોડ પર આવેલી પી.આર. આંગડિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ પેઢીમાં બાકી રહેતા આશરે રૂ. 3,70,000/- પરત આપવા બાબતે પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા (રહે. પોરબંદર) સાથે પરેશભાઈને ટેલિફોનિક વાતચીત થઇ હતી. આ દરમિયાન પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ પરેશભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગત શનિવારે સાંજે અંદાજે 7:00 વાગ્યે, જ્યારે પરેશભાઈનો દીકરો વિવેક ધોરાજી-પોરબંદર નેશનલ હાઈવે પર ITI સામે વોકિંગ કરી રહ્યો હતો, ત્યારે આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા અન્ય બે શખસ સાથે બ્રેઝા કાર (GJ 25 AA 9256) લઈને ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ વિવેક પાસે બુલેટની ચાવી અને મોબાઈલ માંગતા ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા ત્યાં પહોંચતા, ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી લોખંડનો કુહાડો કાઢી હિમાલયના ગળાના ભાગે ઝીંકી દીધો હતો. જ્યારે મહીદીપસિંહે લાકડી વડે હુમલો કર્યો હતો.
ગળાના ભાગે કુહાડીનો ગંભીર ઘા વાગતાં લોહીલુહાણ હાલતમાં હિમાલયને તાત્કાલિક ધોરાજી અને ત્યાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ગત રાત્રે 28 માર્ચએ એક 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અચાનક તૂટી પડેલા હુમલાખોરોએ પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. હત્યાની સંપૂર્ણ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં પુત્રવધૂએ સસરાની હત્યા કરી હતી. તો લીંબડીમાં યુવકની હત્યા થઈ છે. અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો 27 વર્ષીય દીપકભાઈ સોલંકી લીંબડી ઉટડીના પુલ પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતા કૌટુંબિક મામા જયંતિભાઈ છગનભાઈ ચાવડાની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. જમણવાર પતાવીને દીપક ગામમાં આંટો મારવા નીકળ્યો હતો. આ દરમિયાન અમન ચાવડા નામના શખ્સે તેને આંતરીને ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આઘાત છવાયો હતો. હોસ્પિટલ પરિસરમાં હૃદયદ્રાવક રોકકળના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી અમન ચાવડાની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જે આંગણે લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં જવાનજોધ ભાણેજની અર્થી ઊઠતા પરિવારમાં જાણે આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ છે.
હિંમતનગર જિલ્લાના આગીયોલ ગામમાં ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ હત્યા જૂની અદાવતને લઇને કરવામાં આવી હોવાનું પ્રાથમિક દાવા છે. શારિરિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા. બીજી તરફ હત્યા કરનારની પણ શંકાસ્પદ સ્થિતિમાં લાશ મળી છે. મૃતકની લાશ આગીયોલ નજીકની ગામડી ગામ વિસ્તારમાં મળી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસ ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તેમને આશંકા છે કે જૂની અદાવતોને લીધે આવા ગુનાની ઘટનાઓ વધી શકે છે. હિંમતનગર પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીને ઝડપથી પકડવામાં આવશે.


