પ્રવાસીઓને ત્રણ મહિનામાં જ સુવિધા આપવાની તૈયારીઓ : બિકાનેરમાં ચાલતી વિસ્ટાડોમ મોડિફાઇંગની કામગીરી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સાસણગીરમાં પ્રવાસનને વેગ આપવા અને પ્રવાસીઓના અનુભવને વધુ રોમાંચક બનાવવા માટે રેલવે વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝન દ્વારા ગીરના જંગલમાંથી પસાર થતી હાલની મીટરગેજ ટ્રેનોમાં બે ખાસ ‘વિસ્ટાડોમ’ (વિઝડમ) કોચ જોડવામાં આવશે. આ કોચ પ્રવાસીઓને સાસણગીરથી કાશિયા નેસ સુધીની મુસાફરી દરમિયાન કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરાવશે. ‘વિસ્ટાડોમ’ સાસણગીરમાં 360 ડિગ્રી ફરતી રિવોલ્વિંગ ખુરસીઓ સાથેની મીટરગેજ ‘જંગલ સફારી ટ્રેન’ દોડાવશે. હાલમાં રાજસ્થાનના બિકાનેરમાં ‘વિસ્ટાડોમ’ની મોડિફાઈંગ કામગીરી ચાલી રહી છે.
આ વિઝડમ કોચની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે કાચના બનેલા હશે, જેનાથી પ્રવાસીઓ ટ્રેનની અંદર બેઠા-બેઠા જંગલના મનમોહક દ્રશ્યો માણી શકશે. કોચમાં 360 ડિગ્રી ફરી શકે તેવી રિવોલ્વિંગ ખુરસીઓ રાખવામાં આવશે, જેથી પ્રવાસીઓ કોઈપણ દિશામાં ફરીને વન્યજીવોનું નિરીક્ષણ તેમજ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકશે. આ ખાસ કોચ હાલ રાજસ્થાનના બિકાનેર ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આગામી 3 મહિનામાં તેને સેવામાં કાર્યરત કરવામાં આવે તેવી શક્યતા છે.
ગીર નેશનલ પાર્કના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતા આ મીટરગેજ ટ્રેક પર ટ્રેનની મહત્તમ ગતિ માત્ર 30 km/h રાખવામાં આવે છે. ધીમી ગતિને કારણે પ્રવાસીઓ સિંહો સહિતના અન્ય પ્રાણીઓને નિરાંતે જોઈ શકશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ખીલી ઉઠતા કુદરતી સૌંદર્યને માણવા માટે આ ટ્રેન પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ માધ્યમ સાબિત થશે.
જંગલ વિસ્તાર હોવાથી આ ટ્રેક પર ટ્રેનની ગતિ મર્યાદિત રાખવામાં આવી છે. ટ્રેન માત્ર 30 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેથી વન્યજીવોને ખલેલ ન પહોંચે અને પ્રવાસીઓ સિંહ સહિતના પ્રાણીઓને નિહાળી શકે.
રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ અને હોટેલ એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠકમાં આ પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તાલાલા, સાસણ, વિસાવદર અને જૂનાગઢના મીટરગેજ ટ્રેકને ‘હેરિટેજ ટ્રેક’ જાહેર કરવા માટે સર્વે પણ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓના વધતા ધસારાને જોતા ભવિષ્યમાં નિયમિત ‘જંગલ સફારી ટ્રેન’ શરૂ કરવા પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે.


