ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
બાર કાઉન્સિલ દ્વારા રાજયના ૨૮૨ મંડળોને લેખિતમાં જાણ : અસહ્ય બફારાના કારણે નિર્ણય : અન્ય નિયમોનું પાલન અનિવાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે. અંગ દઝાડતી ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે ગુજરાતના લાખો વકીલો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર, ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યભરની તમામ નીચલી અદાલતોના વકીલોને ઉનાળાના ચાર મહિના દરમિયાન કાળો કોટ પહેરવામાંથી સત્તાવાર રીતે મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યના વકીલોને ૧ એપ્રિલ ૨૦૨૬થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના ચાર મહિનાના સમયગાળા માટે આ મુક્તિ આપવામાં આવી છે. આ અંગે બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ ૨૮૨ વકીલ મંડળોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયનો લાભ રાજ્યની તમામ અદાલતોના વકીલોને મળશે.
કાળો કોટ પહેરવામાંથી મુક્તિનો અર્થ એ નથી કે વકીલો કોઈપણ પોશાકમાં કોર્ટમાં હાજર રહી શકશે. બાર કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે વકીલોએ એડવોકેટ એક્ટ હેઠળના અન્ય ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે. વકીલોએ પ્રેક્ટિસ દરમિયાન સફેદ શર્ટ અને બેન્ડ પહેરવા ફરજિયાત રહેશે. માત્ર ગરમીને ધ્યાને રાખીને ઉપરનો કાળો કોટ પહેરવામાંથી જ છૂટછાટ આપવામાં આવી છે.
ગુજરાત બાર કાઉન્સિલની ફાઈનાન્સ કમિટીના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લાએ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ વકીલો માટે કાળો કોટ અનિવાર્ય છે. જોકે, ગુજરાતની મોટાભાગની જિલ્લા અને તાલુકા કક્ષાની નીચલી અદાલતોમાં હજુ પણ એરકન્ડીશન્ડ (AC) સુવિધાઓનો અભાવ છે.
ઉનાળામાં જ્યારે તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જાય છે, ત્યારે બંધ કોર્ટરૂમમાં કાળો કોટ પહેરીને કલાકો સુધી દલીલો કરવી વકીલો માટે શારીરિક રીતે ખૂબ જ કષ્ટદાયક બની રહે છે. વકીલોની આ હાલાકી અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને માનવીય અભિગમ સાથે આ વર્ષે પણ આ પરંપરાગત રાહત જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણયને પગલે સમગ્ર રાજ્યના વકીલ મંડળોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલો, જેમને સતત એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં દોડધામ કરવાની હોય છે, તેમને આ નિર્ણયથી મોટી શારીરિક રાહત મળશે. ગરમીના દિવસોમાં કાળા રંગના કોટને કારણે ગરમીનું પ્રમાણ વધુ અનુભવાતું હોય છે, જેમાંથી હવે આગામી જુલાઈ અંત સુધી મુક્તિ મળી છે.


