રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
૪૬ કેન્દ્રો પર ૯૦૦૦થી વધારે છાત્રોએ આપી કસોટી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજકેટ (GUJCET)ની પરીક્ષા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાઈ હતી. રાજકોટમાં આ પરીક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 46 કેન્દ્રો પર 9306 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જેવા મહત્વના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે.
સવારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર લેવામાં આવ્યું હતું. બપોર બાદ બાયોલોજી અને મેથ્સના પેપર લેવામાં આવ્યા હતાં. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
ન્યૂ એરા સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની મકવાણા નિધિએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી. તેના મતે જે વિદ્યાર્થીઓ JEEની તૈયારી નથી કરતા તેમના માટે આ પરીક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેના દ્વારા સારી કોલેજમાં એડમિશન મેળવવાની તકો વધી જાય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ, જેથી ભવિષ્યમાં સારી કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી શકાય.


