વ્હાલસોયાના મોતથી પરિવારમાં માતમ છવાયો : ચાલકની શોધખોળ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
વિસાવદર શહેરના ખોડિયારપરા વિસ્તારમાં બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાનના ચાલકે માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની ખોપડી તૂટી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને બોલેરો ચાલક પોતાના વાહન સાથે રફુચક્કર થઈ ગયો હતો.
વિસાવદરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતા પ્રફુલભાઇ ઉર્ફે વિપુલભાઇ રમેશભાઇ ગોહિલનો 8 વર્ષીય પુત્ર ધવલ તેમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ વાનના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા તો અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવી ધવલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર સીધી બાળકના માથાના ભાગે વાગતા સ્થળ પર જ માસૂમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થતા જોઈ અને પોતાની ધરપકડના ડરથી બોલેરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી પરંતુ, ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃતદેહને જોઈને પરિવારજનોના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
વિસાવદર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.


