“મેં અનેક સંસ્થાઓ જોઈ છે, પણ કાશીબા ગોટી ટ્રસ્ટનું કાર્ય અનોખું છે.” – પદ્મશ્રી માલજીદાદા
અગ્ર ગુજરાત, રાજકોટ
આચાર્ય વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર-સુરતના પુરુષાર્થથી અને માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા નવનિર્મિત ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’ (૨૫૪મું સરસ્વતીધામ)નું લોકાર્પણ ઝીલીઆ (તા. ચાણસ્મા, જિ. પાટણ) ખાતે સંપન્ન થયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમ ઝીલીઆના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગાંધી આશ્રમના સંગીતવૃંદ દ્વારા પ્રસ્તુત ‘વૈષ્ણવ જન તો તેને રે…’ ભજન અને શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ગરબાએ કાર્યક્રમમાં દિવ્યતા ભરી દીધી હતી.
કાર્યક્રમ દરમિયાન સહયોગી દાતા લાભુબહેન મેઘજીભાઈ કાકડિયા પરિવારનું તેમજ ટ્રસ્ટના મહત્ત્વના શુભચિંતક શિલ્પાબહેન વૈષ્ણવ અને માર્ગદર્શક ધર્મેશભાઈ કુકડિયા (ન્યૂઝ એડિટર, ગુજરાતમિત્ર)નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભવનના નિર્માણમાં સેવા આપનાર કર્મયોગીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ યથાયોગ્ય અભિવાદન કરાયું હતું.
૯૦ વર્ષીય વયોવૃદ્ધ અને સેવાભાવી માલજીદાદા દેસાઈએ ટ્રસ્ટની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “મેં અનેક સંસ્થાઓ જોઈ છે, પણ કાશીબા ગોટી ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. આચાર્ય વિનોબા ભાવેના વિચારોને જીવનમાં ઉતારી કેશુભાઈ ગોટીએ પોતાનું જીવન શિક્ષણ અને ગરીબોની સેવા માટે સમર્પિત કર્યું છે.”
બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ટ્રસ્ટના વહીવટની પારદર્શકતા અને સામાજિક જવાબદારીના મહત્ત્વ વિશે વાત કરી આ કાર્યને અન્યો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. આ ઉપરાંત ડૉ. હર્ષદભાઈ પટેલ, શિલ્પાબહેન વૈષ્ણવ, શ્રીમાન ધર્મેશભાઈ કુકડિયા અને ડૉ. જિતેન્દ્ર કુમાર સી. શાહ (પ્રમુખ, નૂતન વિદ્યાલય, વડાવલી) વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ટ્રસ્ટના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી. આ પ્રસંગે દાતા પરિવાર, સુરતથી પધારેલા મહાનુભાવો, સંસ્થાના શુભેચ્છકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


