દુષિત પાણીથી અમદાવાદમા ૯૫૦ લોકોને ઝાડા-ઉલ્ટી, રાજકોટમાં તોળાતુ જોખમ
રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અનેક વિસ્તારમાં દુષિત અને વાસ મારતુ પાણી વિતરણ : અમદાવાદ જેવા હાલ થવાનો લોકોમાં ડર હોવાનો ગણગણાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદમાં દુષિત અને ગટરનું પાણી વિતરણ થતા ૯૫૦થી વધારે લોકોને ઝાડા-ઉલ્ટી થતાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે અને દર્દીઓથી દવાખાના ઉભરાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. અમદાવાદમાં આજે બનેલી ઘટનાનું જોખમ રાજકોટવાસીઓ ઉપર પણ તોળાઇ રહ્યું છે. રાજકોટમાં પણ દુષિત અને વાસ મારતુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો અનેક વિસ્તારમાં ઉઠી રહી છે.
રાજકોટના વિવિધ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી છાશવારે દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે અને મનપા કચેરી સુધી રજૂઆત કરકી છે છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. દુષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળી રહી છે.
રાજકોટ મનપા દ્વારા જાહેર કરાયેલા આરોગ્યના આંકડાઓ મુજબ શહેરમાં કમળો, ડેંગ્યુ, મેલેરીયા, ટાઇફોઇડ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થયો છે. શહેરમાંથી દુષિત પાણીની ફરિયાદો થતાં કલોરીન ટેસ્ટમાં પણ મનપા દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં પણ અમદાવાદ જેવો જ ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. અમદાવાદ જેવી ઘટના બને તે પહેલા પગલા ભરવા લોકોમાં માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર જેમાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે. જ્યાં પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈ જતા ઝાડા-ઉલટીના કેસનો રાફટો ફાટ્યો છે. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એકસાથે અંદાજિત 700 ઝાડા-ઉલટીના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થિતિ એવી વણસી છે કે સોસાયટીની બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી છે. સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે. વિનાયક બંગલોઝમાં પણ દૂષિત પીવાના પાણીની સમસ્યા ખૂબ વકરી રહી છે. અંદાજે 28 જેટલા બંગલો આવેલા છે. જેમાં 50 લોકો દૂષિત પીવાના પાણીના કારણે બીમાર પડ્યા છે. એટલે કે ઘર દીઠ બે વ્યક્તિ બીમાર હોય તેવી સ્થિતિ વિનાયક બંગલોઝમાં જોવા મળી રહી છે.


