એર ઇન્ડિયા ૨૫ ટકા અને ઇન્ડિંગો ૭ ટકા ડોમેસ્ટીક ફલાઇટસ ઘટાડશે
ઇંધણની કટોકટી અને પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં કંપનીનો નિર્ણય
અગ્ર ગુજરાત, અમદાવાદ
આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 June 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે. જેમાં એર ઇન્ડિયા 20 થી 25 ટકા જેટલી સ્થાનિક ફ્લાઇટો ઘટાડી શકે છે.
“એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:” આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયાના તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર 80,000 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.
ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે. જો કે, કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ રૂટ સંપૂર્ણ બંધ નહીં થાય, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઘટાડાશે. મુસાફરોની હાલાકી બચાવવા આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવાઈ છે.
આ નિર્ણયથી મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલની ફ્લાઇટ્સ પ્રભાવિત થશે. આ ઉપરાંત દિલ્હીથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટશે. નિષ્ણાતોના મતે, જો આગામી સમયમાં ઇંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઇન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે વિમાન ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે.


