હિંગોળગઢની વીડીમાંથી એલસીબીએ 25.60 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો
3,732 બોટલ સાથે 311 પેટી દારૂ રેઢીયાળ હાલતમાં મળી આવ્યો; કટીંગ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકતા બુટલેગરો ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ વચ્ચે વધુ એક મોટી સફળતા મળી છે. હિંગોળગઢ નજીક ગુંદાળા રોડ પર આવેલા વીડી વિસ્તારમાંથી રૂ.25.60 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ઝડપી પાડ્યો છે. પોલીસના અચાનક દરોડાને પગલે દારૂનો જથ્થો ઉતારનાર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ જતા હાલ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબીના પીઆઈ જે.પી. રાવની દેખરેખ હેઠળની ટીમ જસદણ પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે હિંગોળગઢ નજીક મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે હિંગોળગઢથી ગુંદાળા તરફ જતા માર્ગ પર આવેલા વીડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી કુલ 3,732 દારૂની બોટલ, એટલે કે 311 પેટી, અંદાજે રૂ.25,60,152 કિંમતનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ દારૂનું આગળ કટીંગ અથવા હેરફેર થાય તે પહેલાં જ પોલીસ પહોંચી જતાં તેમાં સંડોવાયેલા લોકો સ્થળ છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર દારૂનો જથ્થો કબજે કરી વીંછિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હવે દારૂનો જથ્થો અહીં સુધી કોણ લાવ્યું, ક્યાંથી આવ્યો અને તેની પાછળનું નેટવર્ક શું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર બુટલેગરોને શોધવા માટે વિવિધ ટીમોને કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ સફળ કાર્યવાહીમાં એલસીબીના પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા સહિત અધિકારીઓ અને સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી આગામી દિવસોમાં વધુ કડક બનશે તેવા સંકેતો પણ આ દરોડાથી મળ્યા છે.


