જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ
મેયરે મુલાકાત લીધા બાદ આપેલી સૂચનાની ત્વરીત અમલવારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર સહિતના નવા પદાધિકારીઓની વરણી થયા બાદ તમામ સત્તાધીશો ફિલ્ડમાં ઉતર્યા છે. ચાર્જ સંભાળ્યા બાદ પદાધિકારીઓએ સૌપ્રથમ સિવિક સેન્ટર અને જન્મ-મરણ વિભાગની મુલાકાત લીધી હતી. જેમાં અરજદારોને પડતી મુશ્કેલીનું નિરીક્ષણ કરી ત્વરીત છાંયડો, બેસવાની વ્યવસ્થા અને છાશનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતાં વધુ એક ઉમદા પહેલ હાથ ધરવામાં આવી છે. ગરમીના સમયમાં નાગરિકોને રાહત મળે અને તેઓને સુવિધાજનક વાતાવરણમાં સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી સિવિક સેન્ટરમાં આવતા નાગરિકોને છાશ વિતરણ કરવામાં આવ્યું.
નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લ દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૬ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર, જન્મ-મરણ વિભાગ તેમજ આધાર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નાગરિક હિતલક્ષી સુવિધાઓ વધારવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મેયરની સૂચનાના તાત્કાલિક અમલીકરણના ભાગરૂપે આજે તા.૩૦-૦૫-૨૦૨૬ના રોજ સિવિક સેન્ટરમાં સેવા લેવા આવતા નાગરિકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નાગરિકોને છાશ પીવડાવી તેમની સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ આ પહેલને આવકારી રાજકોટ મહાનગરપાલિકાના જનકેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી, સરળ અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે તથા ભવિષ્યમાં પણ આવી લોકહિતકારી પહેલો હાથ ધરતી રહેશે.


