માતાજીના માંડવાના ખર્ચે પેટે આપેલા રૂ.1.50 લાખ સામે 20.73 લાખ વસૂલ્યા છતાં વધુ 16 લાખની માંગણી
રાજકોટના ત્રણ શખ્સો સામે પઠાણી ઉઘરાણી, ધમકી અને ગેરકાયદે વ્યાજખોરીનો ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખોડીયાર સોસાયટી વિસ્તારમાં રહેતા મજૂરી કામ કરતા કલ્પેશભાઈ સુરેશભાઈ હીરપરા પટેલ (ઉ.વ. 32)ની ફરિયાદના આધારે ત્રણ વ્યક્તિઓ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ ગુજરાત મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી રાજેશભાઈ મનસુખ કોટડીયાએ માતાજીના માંડવાના ખર્ચ માટે કલ્પેશભાઈને રૂ.1.50 લાખ આપ્યા હતા. જોકે ત્યારબાદ તા. 21 એપ્રિલ 2025થી 17 એપ્રિલ 2026 દરમિયાન ફરિયાદીએ ઓનલાઈન તેમજ રોકડ મળી કુલ રૂ.20.73 લાખની રકમ પરત ચૂકવી દીધી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં આરોપી રાજેશભાઈએ હજુ પણ વધુ રૂ.16 લાખ આપવાના બાકી હોવાનું કહી સતત દબાણ કર્યું હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીએ રૂબરૂ તેમજ ફોન પર ધમકીઓ આપી, ગાળો બોલી અને ગેરકાયદેસર રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
આ કેસમાં આરોપી મનોજસિંહ ગોહીલે નોટરી લખાણ કરાવવામાં સાથ-સહકાર આપ્યો હોવાનો અને દર્પણ હરસુખભાઈ પાનસુરીયાએ રાજેશભાઈ વતી ફરિયાદીના ચેકમાંથી રકમ ઉપાડવા માટે પોતાના નામનો ઉપયોગ થવા દેતા ગુનામાં મદદગારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ ભાવનગર હાઈવે પર આવેલ લીલી સાજડીયાળી વિસ્તારમાં બન્યો હોવાનું નોંધાયું છે. પોલીસે રાજેશભાઈ મનસુખ કોટડીયા, મનોજસિંહ ગોહીલ અને દર્પણ હરસુખભાઈ પાનસુરીયા સામે બી.એન.એસ. કલમ 351(2), 352, 308(3), 3(5) તેમજ ગુજરાત મની લેન્ડ એક્ટની કલમ 5, 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. જે.કે. કુરીયાને સોંપી છે.
પોલીસ હવે નાણાકીય વ્યવહારો, નોટરી દસ્તાવેજો અને ચેક ટ્રાન્ઝેક્શન સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.


