છેલ્લા ત્રણ દિવસથી હેરાન થતા અરજદારોની ધીરજ ખૂટી
જન્મ-મરણ વિભાગમાં કામગીરી સાવ ઠપ્પ, લોકોનો હોબાળો
સરકારના CRS પોર્ટલમાં ખામી આવતા એન્ટ્રી કરવામાં મુશ્કેલી, ફાઇલોના થપ્પા લાગ્યા, ભારે રોષ
સિવિક સેન્ટરમાં સવારથી ઉભેલા અરજદારોએ દેકારો કરતા મેયર દોડી ગયા, ટોકન વ્યવસ્થા કરાઇ : વધારાનો ત્રણ કર્મચારીનો સ્ટાફ મૂકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ કચેરીમાં જન્મ-મરણ વિભાગમાં પોર્ટલમાં ખામી આવતા કામગીરી એકદમ ઠપ્પ થઇ ગઇ હતી. છેલ્લા ત્રણ દિવસથી કચેરીના ધક્કા ખાતા અરજદારોની ધીરજનો અંત આવતા સિવિક સેન્ટર બહાર હોબાળો મચાવ્યો હતો. દેકારો થતા જ મેયર ડો.નેહલ શુકલ સિવિક સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને અરજદારો સાથે વાર્તાલાપ કરી મામલો થાળે પાડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સામાન્ય દિવસોમાં પણ જ્યાં મોટો ઘસારો રહે છે, ત્યાં ટેકનિકલ ખામીને કારણે રોજબરોજ આવતી સેંકડો અરજીનો સમયસર નિકાલ થઈ શકતો નથી. પરિણામે કચેરીના ટેબલો પર ફાઈલોના મોટા થપ્પા લાગી ગયા છે. વહીવટી તંત્રની આ અત્યંત ધીમી અને અણઘડ કામગીરીને લઈ દૂર-દૂરથી આવતા અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અગાઉ મેયરની મુલાકાત બાદ લોકોને ઊભા રહેવાના બદલે બેસવા માટે ખુરશીઓ તો મળી છે, પરંતુ કામ ન થવાની મૂળ સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે.
આજે સિવિક સેન્ટરમાં સવારથી લોકોની લાંબી કતારો લાગી હોવાની અને કામગીરી અટકેલી હોવાની માહિતી મળતા જ મેયર નેહલ શુક્લ પોતે તાત્કાલિક સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દોડી આવ્યા હતા. તેમણે રૂબરૂ મુલાકાત લઈને અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. મેયર નેહલ શુક્લ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, હાલ માત્ર એક જ લોગિન ઉપલબ્ધ છે અને લીઝ લાઇનનું સર્વર ગઈકાલથી સાવ ઠપ્પ થઈ ગયું છે.
મેયર ડો. નેહલ શુકલએ જણાવ્યું હતું કે, આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અને લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે એક ખાસ નવતર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આગામી 10 દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અરજદારોને ટોકન ફાળવી દેવામાં આવશે. એક અલગ કાગળ પર લોકોએ પોતાના જ હસ્તાક્ષરમાં પોતાનું નામ, મોબાઈલ નંબર, સરનામું અને કયા પ્રકારનું કામ છે તેની વિગતો લખીને આપવાની રહેશે.
આ ડેટાના આધારે જો ભવિષ્યમાં સર્વર ચાલુ કે બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થાય, તો મનપા તંત્ર સામેથી જ લોકોને ફોન કરીને જાણ કરશે કે તેમણે કયા દિવસે અને કયા સમયે પોતાના દાખલા લેવા આવવાનું રહેશે. આ સુવિધાથી લોકોનો કચેરીએ આવવામાં સમય બગડશે નહીં અને તેમને ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત કામગીરી વધુ ઝડપી બને તે માટે વધુ લોગિન આઈડી મેળવવા અને પૂરતો સ્ટાફ ફાળવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સમક્ષ લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે.
મેયર 3૦ મિનિટ સિવિક સેન્ટરમાં બેસ્યા
મેયરે પોતે ત્યાં અડધો કલાક બેસીને સમગ્ર વ્યવસ્થાની ઝીણવટભરી સમજ મેળવી હતી અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. દરમ્યાન સિવિક સેન્ટર ખાતે સ્ટાફની પણ ભારે અછત હોવાનું સામે આવતા મેયરે મોટી રાહત આપતા ત્વરિત નિર્ણય લીધો હતો અને પોતાના જ મેયર ઓફિસના 3 સ્ટાફ મેમ્બર્સને અરજદારોની વહારે સિવિક સેન્ટર ખાતે ડેપ્યુટ કરી દીધા હતા.
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થશે : કમિશનર
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખાતરી આપતા જણાવ્યું છે કે, પોર્ટલ બંધ હોવા મુદ્દે રાજ્ય સરકારમાં સઘન રજૂઆત કરવામાં આવી છે અને આગામી 2 થી 3 દિવસમાં જ કામગીરી પૂર્વવત થઈ જશે. હાલ ત્રણેય ઝોન કચેરીઓમાં આ સુવિધા શરૂ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ જો માત્ર સેન્ટ્રલ ઝોનમાં પણ સર્વર રાબેતા મુજબ થઈ જશે તો પણ નાગરિકોની તમામ સમસ્યાઓનો અંત આવી જશે.


