લોહીના સબંધો લજવાયા : કૌટુંબીક કાકાએ જ 17 વર્ષની સગીરાની આબરૂ લૂંટી
રસ્તામાં આંતરી ચેકડેમ પાસે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, લોધીકા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી કાકાને ઝડપી પાડ્યો
અગ્ર ગુજરાત,રાજકોટ
શહેરમાં સગીરાઓ સામે વધતા અત્યાચારના બનાવોએ ચિંતા ઉભી કરી છે. જંગલેશ્વર વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપના બનાવની ચકચાર હજુ શમી નથી ત્યાં કોટડાસાંગાણી પંથકમાંથી વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. અહીં 17 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબીક કાકાએ દુષ્કર્મ આચરતાં લોહીના સંબંધો ફરી એકવાર કલંકિત બન્યા છે.
મળતી માહિતી મુજબ, કોટડાસાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામે રહેતી સગીરા પરિવાર સાથે મજૂરી કામ કરી જીવન ગુજારે છે. આરોપી અનિલ દેવીપૂજક, જે સગીરાનો કૌટુંબીક કાકા થાય છે, તે પણ નજીકમાં જ રહેતો હતો. ગત તા. 12 મેના રોજ બપોરના સમયે સગીરા ઘરેથી કરિયાણાની દુકાને છાસ લેવા નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં આરોપી અનિલે તેને અટકાવી હતી અને બળજબરીપૂર્વક ગામ નજીક આવેલા ચેકડેમ વિસ્તાર તરફ લઈ ગયો હતો. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. બનાવ બાદ આરોપી સગીરાને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો.
ઘરે પહોંચેલી સગીરાએ રડતાં રડતાં સમગ્ર ઘટના માતા-પિતાને જણાવી હતી. પોતાની જ ઓળખાણના અને કૌટુંબીક સંબંધ ધરાવતા વ્યક્તિએ આવું કૃત્ય કરતા પરિવાર પર આઘાત તૂટી પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનો સગીરાને લઈને લોધીકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે લોધીકા પોલીસે આરોપી અનિલ દેવીપૂજક (ઉ.વ. 26, રહે. નોંઘણચોરા, કોટડાસાંગાણી) સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સમગ્ર બનાવની વધુ તપાસ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ એમ. જે. પરમાર ચલાવી રહ્યા છે.


