સંતકબીર રોડ પર બસની અડફેટે આવતાં વીરનગરની યુવતીનું મોત, બાળક સહિત બે ઘાયલ
ભીચરી ગામે કથામાં હાજરી આપવા જતી દિપાલી પ્રજાપતિનું સ્થળ પર જ નિધન; ખાનગી બસચાલકની અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર નજીક નેશનલ હાઇવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં વીરનગર ગામની 25 વર્ષીય યુવતીનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાનગી લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં યુવતી બસના ચક્કા નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી, જ્યારે એક મહિલા અને બે વર્ષના બાળકને ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા વીરનગર ગામની રહેવાસી દિપાલી અરવિંદભાઈ ચૌહાણ પોતાના સગા સંબંધીઓ સાથે ભીચરી ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા નીકળી હતી. ભીચરી ગામે તેમના ફુવાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હોવાથી દિપાલી રાજકોટ આવી હતી અને ત્યાંથી પોતાના ફઈના દીકરી કોમલબેન સચિનભાઈ મૂળિયા તથા કોમલબેનના બે વર્ષીય પુત્ર જિયાન સાથે એક્ટિવા પર ભીચરી જવા નીકળી હતી.
સાંજના સમયે સંત કબીર નાળા નજીક નેશનલ હાઇવે પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય સવારીઓ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. આ દરમિયાન દિપાલી બસના ચક્કા નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત કોમલબેન અને બાળક જિયાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે બંનેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
દિપાલી ચૌહાણ આટકોટ સ્થિત કેડી પરવાડીયા હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી. પરિવાર અને ગામમાં તે મહેનતુ અને મિલનસાર સ્વભાવ માટે જાણીતી હતી. તેના અચાનક અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિપાલી પોતાના માતા-પિતાની મોટી સંતાન હતી. તેના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
અકસ્માતની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બસચાલકની બેદરકારી અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત સર્જનાર બસના ચાલકને લોકોએ પકડી લીધો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી હતી. બાદમાં પોલીસ વચ્ચે પડી ચાલકને ટોળાના ચંગુલમાંથી છોડાવી અટકાયત કરી હતી.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને બસની ગતિ, ડ્રાઇવિંગની સ્થિતિ તથા અન્ય તકનીકી મુદ્દાઓની તપાસ હાથ ધરી છે. યુવતીના અકાળ અવસાનથી વીરનગર ગામ તેમજ તેના સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


